દેવભૂમિ દ્વારકામાં પેટ્રોલ-ડીઝલ અછતનો ભય: ખેડૂતો માટે નવા નિયમો, દસ્તાવેજોની ખામીએ વધારી મુશ્કેલી



દેવભૂમિ દ્વારકામાં પેટ્રોલ-ડીઝલ અછતનો ભય: ખેડૂતો માટે નવા નિયમો, દસ્તાવેજોની ખામીએ વધારી મુશ્કેલી



દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે દેખાવા લાગી છે. સંભવિત પેટ્રોલ અને ડીઝલ અછતને પહોંચી વળવા જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ખાસ કરીને ખંભાળિયા વિસ્તારમાં ખેડૂતોને બેરલ અને કેરબામાં ડીઝલ આપવા માટે નવી ગાઈડલાઈન અમલમાં મુકાઈ છે.
ખંભાળિયા મામલતદારે પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક કરી ખાસ સૂચનાઓ આપી છે. હવે ખેડૂતોને ડીઝલ મેળવવા માટે આધાર કાર્ડ, સાતબારની નકલ અને ટ્રેક્ટરની આર.સી. બુક રજૂ કરવી ફરજિયાત બનાવાઈ છે. દસ્તાવેજોની ચકાસણી બાદ જ વધુમાં વધુ 200 લીટર સુધી ડીઝલ આપવામાં આવી રહ્યું છે.
તંત્રનું માનવું છે કે આ પ્રક્રિયાથી ડીઝલનો સંગ્રહ કરીને કાળા બજાર તરફ વળતા તત્વો પર રોક લગાવી શકાશે. જોકે બીજી તરફ ખેડૂતો માટે આ નિયમો મુશ્કેલીરૂપ બન્યા છે. ઘણા ખેડૂતોના દસ્તાવેજોમાં નામની સ્પેલિંગ અલગ હોવા અથવા જૂના રેકોર્ડના કારણે ચકાસણી દરમિયાન અવરોધ ઉભા થઈ રહ્યા છે.
પરિણામે પેટ્રોલ પંપો પર ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે. કેટલાક ખેડૂતો કલાકો સુધી રાહ જોયા બાદ પણ ડીઝલ વગર પરત ફરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતીની સીઝનમાં ટ્રેક્ટર અને કૃષિ સાધનો માટે ડીઝલ અનિવાર્ય છે, ત્યારે દસ્તાવેજોની નાની ભૂલોના કારણે ડીઝલ ન મળતા ખેતીકામ પર સીધી અસર પડી રહી છે.
ખેડૂતો દ્વારા તંત્રને પ્રક્રિયા સરળ બનાવવા અને સ્થળ પર જ માર્ગદર્શન તથા તાત્કાલિક ઉકેલ વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરવામાં આવી રહી છે. હાલ જિલ્લા તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કૃત્રિમ અછત ન સર્જાય તે માટે મોનીટરીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.




