અમદાવાદના રાણીપમાં D-Mart પાસે BRTS બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત



અમદાવાદના રાણીપમાં D-Mart પાસે BRTS બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત



અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમાં આવેલ D-Mart નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. વાડજ તરફથી આવી રહેલી એક BRTS બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સીધું BRTS બસની નીચે આવી ગયું હતું, જેને પગલે બાઇક પર સવાર બંને વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે.
BRTS ટ્રેકમાં બાઇક ઘૂસી જતાં સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, વાડજ તરફથી BRTS બસ પોતાના રૂટ પર આવી રહી હતી. તે જ સમયે રાણીપ તરફથી બે વ્યક્તિઓ નિયમોનું ઉલ્લંઘન કરીને BRTS ટ્રેકમાં પોતાનું બાઇક લઈને જઈ રહ્યા હતા. પૂર ઝડપે આવી રહેલી બસ અને બાઇક વચ્ચે ટક્કર થતાં જ બાઇક બસની નીચે કચડાઈ ગયું હતું.
ઇજાગ્રસ્તોની સ્થિતિ અતિ ગંભીર, સિવિલ હોસ્પિટલ ખસેડાયા આ દુર્ઘટનામાં બાઇક ચાલકને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને તે ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયો હતો. જ્યારે બાઇકની પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને પણ શરીરે નાની-મોટી ગંભીર ઇજાઓ થઈ છે.
ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
હાલમાં બાઇક ચાલકની સ્થિતિ અતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ડ્રાઇવર પોલીસ સ્ટેશને હાજર થયો: અકસ્માત બાદ BRTS બસનો ડ્રાઇવર સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.




