ખાંભા નજીક નકલી પોલીસ ઝડપાયો: હની ટ્રેપ કેસમાં 3 લાખની ઉઘરાણીનો ખુલાસો



ખાંભા નજીક નકલી પોલીસ ઝડપાયો: હની ટ્રેપ કેસમાં 3 લાખની ઉઘરાણીનો ખુલાસો



અમરેલી: અમરેલી જિલ્લામાં ખાંભા નજીક પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી નકલી પોલીસ તરીકે રોફ જમાવતો એક શખ્સ ઝડપી પાડ્યો છે. ખાંભા નજીક શંકાસ્પદ કારની તપાસ દરમિયાન આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, પોલીસે એક શંકાસ્પદ કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. તલાશી દરમિયાન કારમાંથી વિદેશી દારૂની 6 બોટલો મળી આવી હતી. વધુ તપાસ કરતાં કારના સ્ટેરીંગમાં બનાવેલા છુપા ખાનામાંથી પોલીસની વર્દી સાથે સંબંધિત નકલી આઈકાર્ડ મળી આવ્યું હતું, જેના આધારે આરોપી નકલી પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો હતો.
ઝડપાયેલા આરોપીની ઓળખ ભાવનગર જિલ્લાના જેસરના રહેવાસી ચિરાગ જાદવ તરીકે થઈ છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી અમદાવાદના નરોડા વિસ્તારમાં હની ટ્રેપના કેસમાં સંડોવાયેલો છે. તેણે હની ટ્રેપના માધ્યમથી એક ફરિયાદી પાસેથી અંદાજે 3 લાખ રૂપિયા પડાવ્યા હોવાની માહિતી પણ બહાર આવી છે.
આરોપી નકલી પોલીસનું આઈકાર્ડ રાખી લોકો પર દબાણ બનાવીને પોતાની ધાક જમાવતો હતો. પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરીને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.
આ કામગીરી અંગે જયવીર ગઢવીએ વિગતો જાહેર કરતાં જણાવ્યું કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે. પોલીસે આ મામલે અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા તપાસનો વ્યાપ વધાર્યો છે.




