કામરેજમાં બોગસ ડોક્ટરોનો પર્દાફાશ: ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા 5 આરોપી ઝડપાયા



કામરેજમાં બોગસ ડોક્ટરોનો પર્દાફાશ: ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા 5 આરોપી ઝડપાયા



Fake doctors exposed in Kamrej સુરત સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં ડિગ્રી વગર દવાખાના ચલાવતા 5 બોગસ તબીબોને કામરેજ પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની કડક સૂચના બાદ સમગ્ર સુરત જિલ્લામાં આરોગ્ય તંત્ર અને પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. જેના ભાગરૂપે કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર. બી. ગોજીયા અને તેમની ટીમે મેડિકલ વિભાગના અધિકારીઓ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
આ દરમિયાન હલધરુ રોડ અને ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં, જ્યાં પરપ્રાંતિય મજૂરોની વસવાટ વધારે છે, ત્યાં આવેલા અંદાજે 15 ક્લિનિક્સ પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 5 ક્લિનિક સંપૂર્ણપણે બોગસ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા આરોપીઓ પાસે કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી નહોતી. આ તમામ આરોપીઓ મૂળ અન્ય રાજ્યોના રહેવાસી છે અને માત્ર 12 પાસ અથવા અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરી ચૂક્યા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. તેઓ છેલ્લા 10થી 12 દિવસથી જ આ વિસ્તારમાં ક્લિનિક ચલાવી રહ્યા હતા.
પોલીસને આ ક્લિનિક્સમાંથી શેડ્યુલ પ્રકારની દવાઓનો જથ્થો પણ મળી આવ્યો હતો, જે માત્ર માન્ય ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના આપી શકાતી નથી. આ તમામ દવાઓ જપ્ત કરવામાં આવી છે.
કામરેજ પોલીસના પી.આઈ. આર. બી. ગોજીયાએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે 15 ક્લિનિકની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 5 બોગસ તબીબો ઝડપાયા છે. તેમના વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું છે કે આ બોગસ તબીબો ક્યારથી સક્રિય હતા અને તેમને દવાઓ સપ્લાય કરનાર નેટવર્ક કોણ છે, તે દિશામાં વધુ તપાસ ચાલુ છે.




