Get News Alerts

Never miss breaking news updates.

પહેલગામ હુમલાની આંખે દેખી: "આતંકીઓએ પૂછ્યું- હિન્દુ કોણ છે? અને પછી શરૂ કર્યો મોતનો ખેલ"

આ માત્ર એક આતંકી હુમલો નહોતો, પણ માનવતા પર થયેલો એક એવો પ્રહાર હતો જેણે ૨૬ નિર્દોષ પરિવારોના માળા વિખેરી નાખ્યા. આતંકીઓએ નિર્દયતાની તમામ હદો વટાવી દીધી હતી. હુમલાના એક વર્ષ બાદ, જ્યારે આજે એ ભયાનક ઘટનાના જખમ ફરી તાજા થયા છે, ત્યારે મોતને મ્હાત આપીને પરત ફરેલા પ્રવાસીઓએ જે ખુલાસા કર્યા છે તે સાંભળીને પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 Apr 2026 12:04 PM IST
પહેલગામ હુમલાની આંખે દેખી: "આતંકીઓએ પૂછ્યું- હિન્દુ કોણ છે? અને પછી શરૂ કર્યો મોતનો ખેલ"પહેલગામ હુમલાની આંખે દેખી: "આતંકીઓએ પૂછ્યું- હિન્દુ કોણ છે? અને પછી શરૂ કર્યો મોતનો ખેલ"

શ્રીનગર: કુદરતી સૌંદર્યથી છલકતું કાશ્મીરનું પહેલગામ અને ત્યાંની બૈસરન વેલી, જેને લોકો 'મિનિ સ્વિટ્ઝરલેન્ડ' તરીકે ઓળખે છે. ૨૨ એપ્રિલ ૨૦૨૫ના એ દિવસે સેંકડો પ્રવાસીઓ ત્યાં પ્રકૃતિનો આનંદ માણી રહ્યા હતા. બાળકો રમી રહ્યા હતા, પરિવારો ફોટા પડાવતા હતા અને ચારેતરફ ખુશીઓનો માહોલ હતો. પરંતુ કોને ખબર હતી કે શાંત પહાડોની પાછળ મોત છુપાઈને બેઠું છે? બપોરના દોઢ વાગ્યાની એ પળ, જ્યારે અચાનક બંદૂકોના કડાકાએ પહેલગામની શાંતિને ચીરી નાખી.

આ માત્ર એક આતંકી હુમલો નહોતો, પણ માનવતા પર થયેલો એક એવો પ્રહાર હતો જેણે ૨૬ નિર્દોષ પરિવારોના માળા વિખેરી નાખ્યા. આતંકીઓએ નિર્દયતાની તમામ હદો વટાવી દીધી હતી. હુમલાના એક વર્ષ બાદ, જ્યારે આજે એ ભયાનક ઘટનાના જખમ ફરી તાજા થયા છે, ત્યારે મોતને મ્હાત આપીને પરત ફરેલા પ્રવાસીઓએ જે ખુલાસા કર્યા છે તે સાંભળીને પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય.

 

1. ગુજરાતના પ્રવાસીની વ્યથા: "બધુ ૫ મિનિટમાં ખતમ થઈ ગયું"
ભાવનગરના રહેવાસી વિનુભાઈ આ હુમલામાં ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું:  "અમે ત્યાં માંડ 5-10 મિનિટ બેઠા હશું ત્યાં જ અંધાધૂંધ ગોળીબાર શરૂ થઈ ગયો. 200 થી 250 લોકો ત્યાં હાજર હતા. લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગવા લાગ્યા. કોઈ પડ્યું, કોઈના હાથ-પગ તૂટ્યા. હું ભાગતો હતો ત્યારે જ મને પણ ગોળી વાગી."

2. પુણેના બે મિત્રોનું બલિદાન: દીકરીએ આપી પિતાને મુખાગ્નિ
પુણેના કૌસ્તુભ ગણબૌટે અને સંતોષ જગદાલે બાળપણના મિત્રો હતા અને સાથે બિઝનેસ કરતા હતા. આ કમનસીબ હુમલામાં બંનેના મોત થયા. ૨૪ એપ્રિલે જ્યારે સંતોષ જગદાલેની અંતિમ યાત્રા નીકળી, ત્યારે તેમની દીકરી અસાવરીએ પિતાના પાર્થિવ દેહને કાંધ આપી મુખાગ્નિ આપી હતી.

3. જીવ બચાવવા ફેંકી દીધી બિંદી: સંગીતાબેનની ડરામણી આપવીતી
કૌસ્તુભ ગણબૌટેના પત્ની સંગીતાએ જણાવ્યું કે આતંકીઓ ધર્મ પૂછીને ગોળીઓ મારતા હતા:  "આતંકીઓએ પૂછ્યું કે તમે અઝાન પઢો છો? અમે ડરના માર્યા અમારી બિંદી કાઢીને ફેંકી દીધી જેથી તેઓ અમને ઓળખી ન શકે. પણ તેમણે મારી નજર સામે જ મારા પતિ અને તેમના મિત્ર સંતોષને મારી નાખ્યા."

4. માનવતાનો જીવંત પુરાવો: "એક મુસ્લિમ ભાઈએ અમને બચાવવા જીવ આપ્યો"
હુમલામાં હાજર પ્રવાસીઓએ જણાવ્યું કે જ્યારે આતંકીઓ નિર્દોષોને મારી રહ્યા હતા, ત્યારે એક સ્થાનિક મુસ્લિમ વ્યક્તિ તેમને બચાવવા વચ્ચે આવ્યો. તેણે આતંકીઓને પૂછ્યું - "તમે આમને કેમ મારો છો? એમનો શું ગુનો છે?" પરિણામે, આતંકીઓએ તે મુસ્લિમ વ્યક્તિને પણ ગોળી મારી દીધી. સ્થાનિક મુસ્લિમ ઘોડેસવારોએ પણ રડતા હૈયે પ્રવાસીઓને પીઠ પર લાદીને સુરક્ષિત નીચે પહોંચાડ્યા હતા.

5. "મારા હાથ પર પિતાનું લોહી હતું": હર્ષલ લેલેની કરુણતા
સંજય લેલેના પુત્ર હર્ષલે જણાવ્યું:  "આતંકીઓએ બધાને બેસી જવા કહ્યું અને પૂછ્યું કે હિન્દુ કોણ છે? મારો હાથ પિતાના માથા પર હતો. અચાનક ગોળી વાગી અને પિતાનું માથું લોહીલુહાણ થઈ ગયું. મારા આખા હાથ પર પિતાનું લોહી હતું. ત્યાં કોઈ સુરક્ષાકર્મી હાજર નહોતા."

6. સુરક્ષાના અભાવે સર્જાઈ મોટી હોનારત
ચશ્મદીદ અનુષ્કા મોનેએ જણાવ્યું કે બપોરે ૧:૩૦ વાગ્યા સુધી બધું સામાન્ય હતું. જ્યારે ગોળીબાર થયો ત્યારે અમને લાગ્યું કે કદાચ કોઈ રમત રમાતી હશે, પણ જ્યારે લોકો ઢળવા લાગ્યા ત્યારે સત્ય સમજાયું. જો ત્યાં સુરક્ષાકર્મીઓ હોત, તો કદાચ આટલા બધા લોકોના જીવ બચાવી શકાયા હોત.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.