બાદશાહ સાથેના સંબંધ પર ઈશા રીખીએ મૂકી મોહર, કહ્યું - "હું પરિણીત છું"


બાદશાહ સાથેના સંબંધ પર ઈશા રીખીએ મૂકી મોહર, કહ્યું - "હું પરિણીત છું"


પ્રખ્યાત રેપર બા્દશાહ અને પંજાબી અભિનેત્રી ઇશા રીખીના લગ્ન અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો પર આખરે પૂર્ણવિરામ લાગી ગયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી લગ્નની તસવીરો બાદ બંનેના લગ્નને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ બંનેએ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નહોતી. હવે ઈશા રીખીએ ખુદ પોતાના સંબંધને સ્વીકારી લીધો છે.
તાજેતરમાં ઈશા રીખીએ ઇન્સ્ટાગ્રામ પર 'પ્રશ્ન-જવાબ' સેશન દરમિયાન ચાહકોના અનેક સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન એક યુઝરે તેમને સીધો સવાલ પૂછ્યો કે શું તેઓ બાદશાહ સાથે લગ્ન કરી ચૂક્યા છે? તેના જવાબમાં ઈશાએ લખ્યું, "હા, હું પરિણીત છું," અને સાથે બાદશાહને ટૅગ પણ કર્યા હતા. તેમના આ જવાબ બાદ બંનેના લગ્ન અંગે ચાલી રહેલી તમામ અટકળો પર સત્તાવાર મોહર લાગી ગઈ છે.
આ ઉપરાંત એક ચાહકે પૂછ્યું કે જો બાદશાહ તેમના પતિ છે તો સોશિયલ મીડિયા પર તેમની સાથે એક પણ તસવીર કેમ નથી? તેના જવાબમાં ઈશાએ બાદશાહ સાથેની એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી, જેમાં બંને ખાસ પળો માણતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો ન કરવા અંગે પૂછાયેલા સવાલનો પણ ઈશાએ મજેદાર અંદાજમાં જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું, "આ બધા જવાબ તો મારા પતિએ આપવા જોઈએ. પતિદેવ, દર્શકોના ઘણા સવાલો છે, કૃપા કરીને સમય મળે ત્યારે જવાબ આપજો." તેમના આ જવાબને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા અઠવાડિયા પહેલાં ઈશા રીખીની માતાએ સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરોમાં ઈશા લાલ રંગના બ્રાઇડલ લહેંગામાં જોવા મળી હતી, જ્યારે બાદશાહે પરંપરાગત બેઝ રંગનો કુર્તા-પાયજામા પહેર્યો હતો. લગ્ન સમારોહ સાદગીપૂર્ણ અને નજીકના પરિવારજનોની હાજરીમાં યોજાયો હોવાનું તસવીરો પરથી સ્પષ્ટ થતું હતું.
ઈશાના ખુલાસા બાદ હવે ચાહકો બંનેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ કપલ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.




