ગાંધીનગરમાં ઇલેક્ટ્રિક બસ સેવા ટૂંક સમયમાં શરૂ, 14 દિવસ મફત મુસાફરી



ગાંધીનગરમાં ઇલેક્ટ્રિક બસ સેવા ટૂંક સમયમાં શરૂ, 14 દિવસ મફત મુસાફરી



ગાંધીનગર ગાંધીનગરમાં ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ થવા જઈ રહી છે. PM e-Bus સેવા યોજના હેઠળ શરૂ થતી આ સેવા માટે પ્રથમ 14 દિવસ મુસાફરોને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકો આ સેવા અપનાવે.
આ નિર્ણય ગાંધીનગર ગ્રીનલાઇન ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડની બીજી બોર્ડ મીટિંગમાં લેવામાં આવ્યો હતો. સાથે જ ભાડાની દરખાસ્ત અને અન્ય મહત્વપૂર્ણ ઓપરેશનલ નીતિઓને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ ઇ-બસ સેવા માત્ર શહેર પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ જોડશે, જેથી ગામડાંઓમાં રહેલા લોકો માટે પણ મુસાફરી વધુ સરળ બનશે.
અધિકારીઓ મુજબ મુસાફરીના ભાડા અંતરના આધારે ₹5થી ₹30 સુધી નક્કી કરવામાં આવ્યા છે. શરૂઆતના તબક્કામાં આશરે 40 એર-કન્ડીશન્ડ ઇલેક્ટ્રિક બસો શહેરમાં દોડાવવામાં આવશે.
મુસાફરોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મુસાફરી મફત રહેશે. દરેક બસમાં મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે આરક્ષિત બેઠકો રહેશે. તેમજ દિવ્યાંગ લોકો માટે ચડવા-ઉતરવા સરળ બને તે માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મની સુવિધા પણ આપવામાં આવશે.
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પ્રીપેઇડ સ્માર્ટ કાર્ડ (પ્રોમોશનલ પાસ) સિસ્ટમ પણ શરૂ કરવામાં આવશે. સ્માર્ટ કાર્ડ દ્વારા મુસાફરી કરનારાઓને ભાડામાં 10 ટકા સુધીની છૂટ મળશે.
અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ તૈયારીઓ પૂર્ણ તબક્કામાં છે અને આ સેવા ટૂંક સમયમાં જનતા માટે શરૂ કરવામાં આવશે.




