Get News Alerts

Never miss breaking news updates.

દુબઈથી સંચાલિત રાજકોટમાં 50 લાખની ઠગાઈ, 2 ઝડપાયા

માહિતી અનુસાર, દુબઈમાં રહેતા વિમલભાઈ પાંધીને વૈભવ પટેલ નામના શખ્સે કમિશનની લાલચ આપી રાજકોટમાંથી 50 લાખ રૂપિયાનું પેમેન્ટ મેળવવા માટે વિશ્વાસમાં લીધા હતા. આ માટે વિમલભાઈએ રાજકોટની આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. ગત 10 નવેમ્બરના રોજ પેઢીના કર્મચારીઓ વિરલ વ્યાસ અને કિશન પેમેન્ટ લેવા ગયા હતા, ત્યારે BMW કારમાં આવેલા શબ્બીર ઉર્ફે જાબર અને તેના સાગરીતોએ તેમને હથિયાર બતાવી બંધક બનાવી લીધા હતા.
Admin
AdminUpdated on: 09 Apr 2026 03:55 PM IST
દુબઈથી સંચાલિત રાજકોટમાં 50 લાખની ઠગાઈ, 2 ઝડપાયાદુબઈથી સંચાલિત રાજકોટમાં 50 લાખની ઠગાઈ, 2 ઝડપાયા

રાજકોટ:રાજકોટમાં સાત સમંદર પાર દુબઈથી સંચાલિત ગુનાખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરની જાણીતી એસ.પી. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીના બે કર્મચારીઓને હથિયારના જોરે બંધક બનાવી 50 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હતી. જોકે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી અનુસાર, દુબઈમાં રહેતા વિમલભાઈ પાંધીને વૈભવ પટેલ નામના શખ્સે કમિશનની લાલચ આપી રાજકોટમાંથી 50 લાખ રૂપિયાનું પેમેન્ટ મેળવવા માટે વિશ્વાસમાં લીધા હતા. આ માટે વિમલભાઈએ રાજકોટની આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. ગત 10 નવેમ્બરના રોજ પેઢીના કર્મચારીઓ વિરલ વ્યાસ અને કિશન પેમેન્ટ લેવા ગયા હતા, ત્યારે BMW કારમાં આવેલા શબ્બીર ઉર્ફે જાબર અને તેના સાગરીતોએ તેમને હથિયાર બતાવી બંધક બનાવી લીધા હતા.

આરોપીઓએ કર્મચારીઓ પાસેથી તેમના માલિકને ફોન કરાવી ‘પેમેન્ટ મળી ગયું છે’ એવું કહેવામાં આવ્યું. સામાન્ય રીતે પેઢીમાં 50 લાખ માટે ‘50 કેજી ઓકે’ એવો કોડવર્ડ વપરાય છે, પરંતુ આરોપીઓએ ડરાવી ‘100ના બંડલ ઓકે’ એવો અસામાન્ય મેસેજ ટાઈપ કરાવ્યો, જેના કારણે માલિકને શંકા ગઈ હતી. તેમ છતાં રાજકોટથી કન્ફર્મેશન મળતા જ દુબઈમાં વિમલભાઈએ સામેની પાર્ટીને 50 લાખ ચૂકવી દીધા હતા.

બાદમાં આરોપીઓ કર્મચારીઓને રસ્તામાં ઉતારી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે મુખ્ય આરોપી શબ્બીર ઉર્ફે જાબર અને તૌફીક ઉર્ફે બાવોને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે સમગ્ર કાવતરું દુબઈથી સંચાલિત હતું. આ કેસનો મુખ્ય સૂત્રધાર સાગર વ્યાસ હોવાનું સામે આવ્યું છે, જે હાલ દુબઈમાં હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે સાગર વ્યાસ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, જ્યારે ફરાર અન્ય આરોપીઓ અને હથિયારોની શોધખોળ માટે તપાસ તેજ કરવામાં આવી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.