વડોદરાની SSG હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં હુમલા બાદ ડોકટરોની હડતાળ પર



વડોદરાની SSG હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં હુમલા બાદ ડોકટરોની હડતાળ પર



વડોદરા વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરોએ સુરક્ષાના મુદ્દે મોરચો માંડ્યો છે. પોસ્ટમોર્ટમ રૂમમાં ડોકટરો પર થયેલા હુમલાના વિરોધમાં તેઓ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. હડતાળને પગલે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે અને 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. જોકે, ડોકટરો પોતાની સુરક્ષા સંબંધિત માંગણીઓ પર અડગ રહ્યા છે.
સયાજી હોસ્પિટલમાં ફરી એકવાર તબીબોની સુરક્ષા મુદ્દે ચિંતા ઊભી થઈ છે. પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવતા ડોકટરો પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે રેસિડેન્ટ ડોકટરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ બનાવના વિરોધમાં ડોકટરોએ તમામ કામગીરીનો બહિષ્કાર કરી અનિશ્ચિત સમયની હડતાળ જાહેર કરી છે. ડોકટરોની મુખ્ય માંગણીઓમાં હોસ્પિટલના ડાર્ક સ્પોટ્સમાં યોગ્ય લાઈટિંગ, સમગ્ર પરિસરમાં CCTV કેમેરા અને કાયમી સુરક્ષા જવાનોની તૈનાતીનો સમાવેશ થાય છે.
આ મામલે કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠકોનો દોર શરૂ થયો છે. ડોકટરોની હડતાળને પગલે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા પણ સયાજી હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે રેસિડેન્ટ ડોકટરોની રજૂઆતો સાંભળી અને હોસ્પિટલ પ્રશાસન સાથે બેઠક કરી હતી.
કલેક્ટરે જણાવ્યું કે ડોકટરો પર હુમલાની ઘટના નિંદનીય છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સાથે જ, ડોકટરોની હડતાળ વચ્ચે દર્દીઓને કોઈ હાલાકી ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.




