રાજકોટના વોર્ડ 12માં ચૂંટણી ટાણે જ નારાજગી: 'થાળી વગાડી' મહિલાઓએ કર્યો જોરદાર વિરોધ કર્યો



રાજકોટના વોર્ડ 12માં ચૂંટણી ટાણે જ નારાજગી: 'થાળી વગાડી' મહિલાઓએ કર્યો જોરદાર વિરોધ કર્યો



રાજકોટ: પ્રાથમિક સુવિધાઓના અભાવે રહીશો પરેશાન: ૨૦ મિનિટ આવતા પાણીમાં પણ દુર્ગંધની ફરિયાદ; વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર નિષ્ક્રિય હોવાનો આક્ષેપ રાજકોટ: ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. એક તરફ રાજકીય પક્ષો અને નેતાઓ મતો અંકે કરવા માટે મોટા મોટા વાયદાઓ કરી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજકોટના વોર્ડ નંબર 12માં જનતાનો આક્રોશ જોવા મળ્યો છે. આ વિસ્તારની સ્થાનિક મહિલાઓએ એકત્ર થઈને 'થાળી વગાડી' તંત્ર અને નેતાઓ સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
પીવાના પાણીમાં કેમિકલની દુર્ગંધ! સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી તેમને પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારવા પડે છે. વિસ્તારમાં પીવાનું પાણી માત્ર 20 મિનિટ માટે જ આપવામાં આવે છે. ગંભીર બાબત તો એ છે કે, જે પાણી આવે છે તે અત્યંત દુર્ગંધવાળું અને કેમિકલયુક્ત હોય છે. આસપાસના કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી પીવાના પાણીની લાઈનમાં ભળતું હોવાની શંકા સેવવામાં આવી રહી છે.
પરિવારના સભ્યો બીમાર પડતા આક્રોશ મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે, દૂષિત પાણીના વપરાશને કારણે તેમના પરિવારના સભ્યો અને બાળકો સતત બીમાર પડી રહ્યા છે. વિસ્તારમાં બોરની સુવિધા છે, પરંતુ પાણીના સ્તર નીચે જતા રહેવાને કારણે આ સમસ્યા વધુ ઘેરી બની છે. નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ વોટ માંગવા આવે છે, પરંતુ પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં કોઈને રસ નથી.
આ ગંભીર સમસ્યા અંગે તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. પરિણામે, સ્થાનિક મહિલાઓએ આજે રસ્તા પર ઉતરીને અને થાળીઓ વગાડીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આગામી ચૂંટણીમાં આ રોષ મતદાન પર કેવો પ્રભાવ પાડે છે તે જોવું રહ્યું.




