જામનગરમાં ફરી ડીમોલિશન કાર્યવાહી, ઇસ્કોન મંદિર નજીક ગેરકાયદે દબાણો પર તંત્રનો બુલડોઝર



જામનગરમાં ફરી ડીમોલિશન કાર્યવાહી, ઇસ્કોન મંદિર નજીક ગેરકાયદે દબાણો પર તંત્રનો બુલડોઝર



જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો સામે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર-રાજકોટ હાઇવે પર ઇસ્કોન મંદિર નજીક આવેલી સરકારી જમીન પર થયેલા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામોને દૂર કરવા માટે આજે મનપા તંત્ર દ્વારા ડીમોલિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
માહિતી અનુસાર, શહેરી ગરીબો માટે ફાળવવામાં આવેલી સરકારી જમીન પર કેટલાક દબાણકર્તાઓ દ્વારા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા. અગાઉ પણ મનપા દ્વારા કેટલાક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે કેટલાક દબાણકર્તાઓએ જાતે જ દબાણ દૂર કરવા માટે સમય માગતા મનપા તંત્ર દ્વારા 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.
આપવામાં આવેલી સમયમર્યાદા પૂર્ણ થતાં આજે તંત્ર એક્શનમાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે ડીમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ હતી. મનપાની એસ્ટેટ શાખા, SLUM વિભાગ, ફાયર વિભાગ સહિતની વિવિધ શાખાઓના અધિકારીઓ અને સ્ટાફ આ કામગીરીમાં જોડાયા હતા.
તંત્ર દ્વારા જેસીબી, ટ્રેક્ટર સહિતની ભારે મશીનરી સાથે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંદાજે 1 લાખ 20 હજાર ચોરસ ફૂટ જેટલી સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
ડીમોલિશન કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. મનપા તંત્રે સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.




