દિલ્હીથી સુરત હવાલા-પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ? આંગડિયા પેઢી મારફતે પૈસા આવ્યાની આશંકા, પોલીસની તપાસ તેજ



દિલ્હીથી સુરત હવાલા-પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ? આંગડિયા પેઢી મારફતે પૈસા આવ્યાની આશંકા, પોલીસની તપાસ તેજ



સુરત: શહેરમાં દિલ્હીથી હવાલા મારફતે રાજકીય ફંડિંગ થતું હોવાની શંકાએ હલચલ મચાવી છે. સચિન વિસ્તારની એક આંગડિયા પેઢીમાં ચૂંટણી પ્રચાર માટે પૈસા આવ્યા હોવાની આશંકા સામે આવતા ઉમરા પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ બનાવી છે.
મળતી માહિતી મુજબ, આ ફંડિંગના પૈસા દિલ્હીના હિમાંશુ પાહુજાએ મોકલ્યા હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે. હિમાંશુ પાહુજા આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું અને આપના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો નજીકનો માણસ હોવાનું પણ સામે આવ્યું છે. આંગડિયા પેઢીમાંથી આ ફંડ મેળવીને આકાશ મિશ્રા અને અજય તિવારીએ ચૂંટણી પ્રચારમાં તેનો ઉપયોગ કર્યો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
ચોંકાવનારી વાત એ છે કે આકાશ મિશ્રા અગાઉ પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના પી.એ તરીકે ફરજ બજાવી ચૂક્યો છે. જેથી આ સમગ્ર મામલે રાજકીય કડી વધુ મજબૂત બનતી જણાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ તમામ પૈસા આમ આદમી પાર્ટીના પ્રચાર માટે ઉપયોગમાં લેવાયા હોઈ શકે છે.
સુરત પોલીસે આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજ કબજે લઈ તપાસ હાથ ધરી છે. ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી જોવા મળ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ આધારે ઉમરા પોલીસે આકાશ મિશ્રાને બોલાવી તેનું નિવેદન નોંધ્યું છે તેમજ આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી છે.
પોલીસે બંનેના નિવેદનોના આધારે તપાસ આગળ ધપાવી છે, જ્યારે અજય તિવારીની હજુ સુધી સત્તાવાર પૂછપરછ કરવામાં આવી નથી. સમગ્ર કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.




