દાહોદના પાંચવાડા ગામમાં દીપડાનો આતંક, ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત



દાહોદના પાંચવાડા ગામમાં દીપડાનો આતંક, ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત



દાહોદ : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામમાં વહેલી સવારે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. ખેતરમાં ગવારસિંગ તોડવા ગયેલા ખેડૂત રાકેશભાઈ પરમાર પર અચાનક દીપડાએ જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ખેડૂતની બૂમાબૂમ સાંભળી તેને બચાવવા દોડી આવેલા પંકજભાઈ માવી અને મનોજભાઈ માવી પર પણ દીપડાએ હુમલો કર્યો હતો.
દીપડાના આ હિંસક હુમલામાં ત્રણેય વ્યક્તિઓને મોઢા, માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ ઘટનાને પગલે સમગ્ર પાંચવાડા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોએ દીપડાના વધતા આતંકને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
વન વિભાગ દ્વારા હિંસક દીપડાને પાંજરે પૂરવા માટે તાકીદે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ ગ્રામજનોને સાવચેત રહેવા અને એકલા ખેતરમાં ન જવાની અપીલ પણ કરવામાં આવી છે.




