ડાંગમાં ગેરકાયદેસર રિસોર્ટ અને ટેન્ટ હાઉસ સામે તંત્રનો કડક ચાબુક, 63 બિનઅધિકૃત બાંધકામો ઝડપાયા


ડાંગમાં ગેરકાયદેસર રિસોર્ટ અને ટેન્ટ હાઉસ સામે તંત્રનો કડક ચાબુક, 63 બિનઅધિકૃત બાંધકામો ઝડપાયા


ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા રિસોર્ટ, ટેન્ટ હાઉસ, હોટલ, ધાબા અને અન્ય વ્યાવસાયિક બાંધકામો સામે જિલ્લા તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. સરકારના સ્વાગત કાર્યક્રમ દરમિયાન એક જાગૃત નાગરિકે સાપુતારા અને તેની આસપાસના વિસ્તારમાં મંજૂરી વગર ઉભા કરાયેલા બાંધકામો તેમજ ગેમઝોન અંગે રજૂઆત કરતા જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા હતા.
કલેક્ટરના આદેશ બાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જિલ્લામાં કુલ 63 જેટલા બાંધકામો જરૂરી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ બાંધકામોમાં ટેન્ટ હાઉસ, રિસોર્ટ, હોટલ, ધાબા સહિતના વિવિધ પ્રવાસન સંબંધિત વ્યવસાયિક એકમોનો સમાવેશ થાય છે.
ચોમાસાની ઋતુમાં ડાંગ અને ગિરિમથક સાપુતારાની કુદરતી સુંદરતા માણવા માટે રાજ્ય તેમજ દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓની વધતી સંખ્યાનો લાભ લેવા કેટલાક સંચાલકોએ નિયમોનું પાલન કર્યા વગર વેપારિક બાંધકામો ઉભા કર્યા હોવાનો આક્ષેપ છે. આવી ગેરરીતિઓ સામે હવે જિલ્લા તંત્ર સખત વલણ અપનાવી રહ્યું છે.
તપાસના અહેવાલના આધારે અધિકારીઓએ સંબંધિત ગ્રામ પંચાયતોના સરપંચોને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે. ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ટેન્ટ હાઉસ, ધાબા, રિસોર્ટ અને અન્ય બાંધકામોને સીલ કરવાની તેમજ નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી છે.
જિલ્લા તંત્રનું કહેવું છે કે પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ એવા ડાંગ વિસ્તારમાં અનિયંત્રિત અને બિનઅધિકૃત વિકાસને રોકવા માટે આગામી સમયમાં પણ તપાસ અને કાર્યવાહી ચાલુ રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેથી પ્રવાસન વિકાસ કાયદાની મર્યાદામાં રહીને આગળ વધી શકે.




