Get News Alerts

Never miss breaking news updates.

દ્વારકામાં ટ્રાફિક જામ વચ્ચે અટવાઈ સ્મશાન યાત્રા, પરિવારજનો મૃતદેહ ખંભે ઉપાડી સ્મશાન સુધી પહોંચ્યા

અધિક માસ દરમિયાન યાત્રાધામ દ્વારકામાં વધતા ટ્રાફિક જામ અને આડેધડ પાર્કિંગની સમસ્યાએ હવે માનવતા સામે પણ સવાલો ઉભા કર્યા છે. એક સ્થાનિક નાગરિકની સ્મશાન યાત્રા ભારે ટ્રાફિકમાં ફસાઈ જતા પરિવારજનોને મૃતદેહ ખંભે ઉપાડી સ્મશાન સુધી લઈ જવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનાએ તંત્રની ટ્રાફિક વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 23 May 2026 04:49 PM IST
દ્વારકામાં ટ્રાફિક જામ વચ્ચે અટવાઈ સ્મશાન યાત્રા, પરિવારજનો મૃતદેહ ખંભે ઉપાડી સ્મશાન સુધી પહોંચ્યાદ્વારકામાં ટ્રાફિક જામ વચ્ચે અટવાઈ સ્મશાન યાત્રા, પરિવારજનો મૃતદેહ ખંભે ઉપાડી સ્મશાન સુધી પહોંચ્યા

દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં અધિક માસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. આડેધડ પાર્કિંગ અને ભારે ટ્રાફિક જામના કારણે આજે એક સ્મશાન યાત્રા રસ્તા વચ્ચે જ અટવાઈ ગઈ હતી. પરિસ્થિતિ એટલી વિકટ બની કે પરિવારજનોને મૃતદેહ ખંભે ઉપાડી ટ્રાફિક વચ્ચેથી સ્મશાનગૃહ સુધી પહોંચવું પડ્યું હતું.

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વણસી રહી છે. આજે એક સ્થાનિક નાગરિકના અવસાન બાદ નીકળેલી સ્મશાન યાત્રા મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. આડેધડ પાર્કિંગ અને અવ્યવસ્થિત વાહન વ્યવહારને કારણે અંતિમ યાત્રા આગળ વધી શકી નહોતી, જેના કારણે શોકમય વાતાવરણ વચ્ચે અરેરાટી ફેલાઈ ગઈ હતી.

ટ્રાફિકની સ્થિતિ એટલી ખરાબ હતી કે અંતિમ યાત્રામાં સામેલ પરિવારજનો અને સગા-સંબંધીઓ પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો. અંતિમ વાહિની બસને સ્મશાનથી દૂર જ ઉભી રાખવાની ફરજ પડી હતી. ત્યારબાદ પરિવારજનોએ ભારે હૈયે મૃતદેહને ખંભે ઉપાડી ટ્રાફિકની ભીડ વચ્ચેથી લાંબા અંતર સુધી પગપાળા સ્મશાન ઘાટ સુધી લઈ જવો પડ્યો હતો.

 સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે યાત્રાધામ દ્વારકામાં હવે અંતિમ યાત્રા માટે પણ રસ્તો ખાલી નથી રહ્યો? અધિક માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ આવતા હોવા છતાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કેમ નથી કરવામાં આવતો તે અંગે પણ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.