CWG 2026: ભારત માટે ઐતિહાસિક રહ્યો 10મો દિવસ, એક જ દિવસમાં 16 મેડલ; PM મોદીએ ખેલાડીઓને પાઠવી શુભેચ્છા


CWG 2026: ભારત માટે ઐતિહાસિક રહ્યો 10મો દિવસ, એક જ દિવસમાં 16 મેડલ; PM મોદીએ ખેલાડીઓને પાઠવી શુભેચ્છા


કોમનવેલ્થ ગેમ્સ 2026નો 10મો દિવસ ભારત માટે ઐતિહાસિક અને શાનદાર રહ્યો છે. ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં શાનદાર પ્રદર્શન કરીને એક જ દિવસમાં કુલ 16 મેડલ પોતાના નામે કર્યા, જેમાં 7 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ભારતના આ શાનદાર પ્રદર્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેડલ વિજેતા તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે.
10મા દિવસે ભારતીય બોક્સરોનો ખાસ દબદબો જોવા મળ્યો હતો. બોક્સિંગમાં ભારતે કુલ 10 મેડલ જીત્યા હતા. પુરુષોના 60 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનાર સચિન સિવાચને PM મોદીએ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના પ્રદર્શનને યુવા બોક્સરો માટે પ્રેરણાદાયક ગણાવ્યું હતું.
મહિલાઓના 75 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીતનાર લવલીના બોરગોહેનની પણ વડાપ્રધાને પ્રશંસા કરી હતી. જ્યારે મહિલાઓના 70 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનાર અરુધતી ચૌધરી અને 60 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ જીતનાર પ્રિયા ઘાંઘસને પણ શુભેચ્છા પાઠવી હતી.
આ ઉપરાંત મહિલાઓના 51 કિલોગ્રામ બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર સાક્ષી અને પુરુષોના 55 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીતનાર જાદુમની સિંહને પણ PM મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.
શોટપુટ F57માં ગોલ્ડ મેડલ જીતનાર સોમન રાણા અને સિલ્વર મેડલ વિજેતા શુભમ જુયાલની પણ વડાપ્રધાને પ્રશંસા કરી હતી. સોમન રાણાએ આ સ્પર્ધામાં ભારત માટે પ્રથમ કોમનવેલ્થ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.




