નસવાડીમાં સ્મશાન જતો રસ્તો ભંગારના વેપારીએ બંધ કરતા વિવાદ, આદિવાસી-દલિત સમાજે મામલતદારને કરી રજૂઆત



નસવાડીમાં સ્મશાન જતો રસ્તો ભંગારના વેપારીએ બંધ કરતા વિવાદ, આદિવાસી-દલિત સમાજે મામલતદારને કરી રજૂઆત



Chhota Udepur: નસવાડીમાં અશ્વિન નદીના કિનારે સ્મશાન ઘાટ જવાનો રસ્તો ભંગારના વેપારી દ્વારા બંધ કરી દેતા આદિવાસી અને દલિત સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને રસ્તો ખુલ્લો કરાવવા માટે માગ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાન જવાના રસ્તા ઉપર ભંગારના વેપારીએ ભંગારનો કચરો નાંખી દીધો છે. જેનાથી પગપાળા ચાલી શકાતું નથી.
નસવાડીમાં આદિવાસી સમાજ દલિત સમાજના લોકો મૃતદેહની અંતિમ ક્રિયા કરવા માટે અશ્વિન નદીના કિનારે જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી અશ્વિન નદીના કિનારે એક ભંગારના વેપારીએ ગેરકાયદેસર રીતે ભંગાર નાંખીને સ્મશાન ઘાટ જવાનો રસ્તો બંધ કરી દીધો હતો. ત્યારે મૃતકની અંતિમ ક્રિયા માટે જવા માટે મુશ્કેલી પડી રહી હોવાથી આદિવાસી અને દલિત સમાજના લોકો દ્વારા ભંગારના વેપારીને મૌખિક રજૂઆત કરવા છતાં રસ્તો ખુલ્લો ના કરાતા આખરે મામલતદારને આવેદન પત્ર આપ્યું છે.
આ ઉપરાંત એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ભંગારના વેપારીએ સ્મશાન જવાના રસ્તામાં ખીલી, કાચની બોટલો તોડીને નાંખી છે. જેનાથી મૃતદેહને લઈ જતી વખતે પગમાં વાગે છે. ત્યારે આ મામલે મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. ભંગારના વેપારી સામે જનઆક્રોશ ફેલાયો છે. ત્યારે નસવાડી જૂથ ગ્રામપંચાયતના સત્તાધીશો પણ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.
હાલ તો આદિવાસી અને દલિત સમાજના લોકો રસ્તાની સમસ્યાને લઈને મોરચો માંડતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે બીજી તરફ નદીમાં ઉતરવા માટે પણ સ્મશાન ઘાટનો ઓવારો બનાવવા માટે અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજદિન સુધી સ્મશાન ઘાટનો ઓવારો બનાવવામાં આવતો નથી. તેનાથી વિશેષ અંતિમ ક્રિયા કરવી હોય ત્યારે સ્મશાન ઘાટ પણ નથી, ધમધોપતા તાપમાં ખુલ્લા આસમાન નીચે અંતિમ ક્રિયા કરવી પડે છે.




