Get News Alerts

Never miss breaking news updates.

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખનો જાતિનો દાખલો ખોટો, રદ કરી કાર્યવાહી કરવા આદેશ

Chhota Udepur News: છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પદે બિરાજમાન મંજુલાબેન છત્રસિંહ રાઠવાનો અનુસૂચિત જનજાતિનો (ST) જાતિનો દાખલો સત્તાવાર રીતે રદ કરવામાં આવ્યો છે.
Admin
AdminUpdated on: 26 May 2026 05:07 PM IST
છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખનો જાતિનો દાખલો ખોટો, રદ કરી કાર્યવાહી કરવા આદેશછોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખનો જાતિનો દાખલો ખોટો, રદ કરી કાર્યવાહી કરવા આદેશ

Chhota Udepur News: છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પદે બિરાજમાન મંજુલાબેન છત્રસિંહ રાઠવાના અનુસૂચિત જનજાતિ એટલે કે ST જાતિના દાખલાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. વડોદરાની વિભાગીય વિશ્લેષણ સમિતિએ સઘન તપાસ બાદ તેમના વર્ષ 1999 અને 2000માં ઈસ્યુ થયેલા “હિન્દુ રાઠવા” જાતિના બંને પ્રમાણપત્રો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. તપાસ દરમિયાન તેઓ મૂળ “હિન્દુ કોળી” અથવા “હિંદુ ઢેબરીયા કોળી” જાતિના હોવાનું સામે આવ્યું છે, જે ST કેટેગરીમાં આવતી નથી. ત્યારે હવે આ મામલે રાજકીય તેમજ વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

વડોદરાની વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા કરવામાં આવેલી તપાસમાં મંજુલાબેન છત્રસિંહ રાઠવાના શાળાકીય રેકોર્ડમાં શાળાકીય દસ્તાવેજમાં મંજુલાબેન છત્રસિંહ રાઠવા અને પેટાજાતિમાં હિન્દુ રાઠવા દર્શાવેલ છે. આ સાથે તેમના સરકારી દસ્તાવેજો અને અન્ય આધાર પુરાવાની ચકાસણી  કરવામાં આવી હતી. તેમના પિતા સહિત અનય આઠ પિતરાઈ ભાઈએ બહેનોના જાતિના પુરાવા ચકાસતા તેમાં પેટાજાતિ હિન્દૂ ઢેબર કોળી દર્શાવવામાં આવ્યું છે. હિન્દુ કોળીનો ઉલ્લેખ અનુસૂચિત જનજાતિમાં સમાવિષ્ચમાં નથી. જેને લઈને સમિતિએ સર્વાનુમતે બંને પ્રમાણપત્રોને અમાન્ય જાહેર કરી મામલતદારને રદ કરવાનો આદેશ કર્યો છે.

તપાસમાં ખુલ્યું છે કે, મંજુલાબેન મૂળ “હિન્દુ કોળી” અથવા “હિન્દુ ઢેબરીયા કોળી” સમાજ સાથે સંકળાયેલા છે, જે અનુસૂચિત જનજાતિની યાદીમાં સમાવિષ્ટ નથી. તેમ છતાં આ જ ST દાખલાના આધારે તેમણે વર્ષ 2025માં છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-4ની અનુસૂચિત જનજાતિ માટે અનામત મહિલા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને બાદમાં નગરપાલિકાના પ્રમુખ પદ સુધી પહોંચ્યા હતા. આ બાબતે જ્યારે જાગૃત નાગરિકને જાણ થઈ હતી અને તેને વડોદરા વિશ્લેષણ સમિતિમાં અરજી કરી છે. જો કે, લાંબી પ્રક્રિયા બાદ આજે ચુકાદાની અંત આવ્યો છે અને અરજી કરનારા વિજય નાયકને ન્યાય મળતા સંતોષ માન્યો છે.

વિભાગીય વિશ્લેષણ સમિતિએ બંને જાતિ પ્રમાણપત્રો જપ્ત કરવા તેમજ તેના પર “રદ કરેલું અને જપ્ત કરેલું” એવો સિક્કો મારવામાં આવ્યો છે. આ સાથે જ ગુજરાત અનુસૂચિત જાતિ-જનજાતિ પ્રમાણપત્ર સંબંધિત અધિનિયમ-2018ની કલમ 11 અને 12 હેઠળ નિયમોનુસાર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. હવે આ મામલે આગામી સમયમાં કાનૂની તેમજ રાજકીય અસર જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખોટા દસ્તાવેજ રજૂ કરીને નગરપાલિકાના પ્રમુખ બનેલા મંજુલાબેનનું હવે સભ્ય પદ તો જશે સાથો સાથ પ્રમુખ પદ પણ ગુમાવવાનો વારો આવશે. જો કે, વહીવટી તંત્ર કેવા પગલાં ભરે છે તે બાબતે નગરમાં ચર્ચાના વિષય બન્યો છે.

નગરપાલિકાના પ્રમુખ પદે રહેલી વ્યક્તિનો ST દાખલો રદ થવાના આ ઘટનાક્રમે છોટાઉદેપુરના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. હવે વહીવટી તંત્ર અને ચૂંટણી સંબંધિત વિભાગો આગામી સમયમાં શું પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.