ઉસ્માનપુરામાં અડધી રાત્રે કાર અકસ્માત: બે કાર વચ્ચે જોરદાર ટક્કર, ડ્રાઈવર નશામાં હોવાની શંકા!



ઉસ્માનપુરામાં અડધી રાત્રે કાર અકસ્માત: બે કાર વચ્ચે જોરદાર ટક્કર, ડ્રાઈવર નશામાં હોવાની શંકા!



અમદાવાદ: અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં અડધી રાત્રે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો જેથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે એક કારચાલકને ઇજા પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક ટ્રાફિક પોલીસે તપાસ દરમિયાન એક કારમાંથી દારૂની બોટલ મળી આવતા ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની પ્રાથમિક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં લોકો એકઠા થઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
ટ્રાફિક પોલીસે બંને વાહનો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ અકસ્માતના સાચા કારણો જાણવા માટે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.




