ધંધુકા હત્યા કેસમાં આરોપીઓ સાથે જોડાયેલા ગેરકાયદે કબ્જાઓ પર બુલડોઝર, પ્રશાસનની મોટી કાર્યવાહી



ધંધુકા હત્યા કેસમાં આરોપીઓ સાથે જોડાયેલા ગેરકાયદે કબ્જાઓ પર બુલડોઝર, પ્રશાસનની મોટી કાર્યવાહી



ધંધુકા ધંધુકામાં તાજેતરમાં થયેલા હિંદુ યુવકની હત્યા કેસ બાદ પ્રશાસને મંગળવારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સાથે જોડાયેલા ગણાતા ગેરકાયદે કબ્જાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા છે. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન રહેણાંક મકાનો અને દુકાનના શેડ સહિત અનેક બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે.
માહિતી મુજબ, સ્થાનિક પ્રશાસન અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 15થી વધુ ગેરકાયદે એકમોને નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં ખટકીવાડ વિસ્તારમાં આવેલા 4 મકાનો અને ધંધુકા–બગોદરા હાઈવે પર આવેલા 14 દુકાનના શેડનો સમાવેશ થાય છે.
કાર્યવાહી દરમિયાન ગેરકાયદે વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા તેમજ વીજચોરી સંબંધિત FIR નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આશરે 400 જેટલા પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. જેમાં 3 DYSP, 11 PI અને 18 PSIનો સમાવેશ થાય છે. ડ્રોન દ્વારા પણ સતત નજર રાખવામાં આવી હતી, જ્યારે અન્ય જિલ્લાઓમાંથી SRPની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. સુરક્ષા માટે બે સ્તરની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ધંધુકાના SDM વિદ્યાસાગરે જણાવ્યું હતું કે કાર્યવાહી પહેલાં તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ખટકીવાડ વિસ્તારમાં આવેલા ગેરકાયદે કબ્જાઓ દૂર કરવામાં આવી રહ્યા છે અને ધંધુકા–બગોદરા હાઈવે પર ફ્લાયઓવરથી લઈને ધંધુકા ચોક સુધીના તમામ ગેરકાયદે બાંધકામોને પણ દૂર કરવામાં આવશે. ધર્મેશ ગામારા હત્યા કેસના આરોપીઓના નિવાસ નજીક આવેલા કબ્જાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.
પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી નિયમિત એન્ક્રોચમેન્ટ દૂર કરવાની પ્રક્રિયાનો ભાગ છે અને યોગ્ય તપાસ તથા ઓળખ બાદ કરવામાં આવી રહી છે. તમામ ગેરકાયદે કબ્જાઓ દૂર ન થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે.
બીજી તરફ હત્યા કેસમાં પોલીસે રિઝવાન મણિયાર અને સમીર આમદાણી નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમને ધંધુકાની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટએ 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ દરમિયાન આરોપીઓની પુછપરછ કરીને ઘટનાક્રમની વિગતો બહાર લાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ધર્મેશ ગામારાની બે દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી, જેના પગલે વિસ્તારમાં આગજની અને તોડફોડની ઘટનાઓ પણ સામે આવી હતી.




