અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો એક્શન: ‘લવ ગુરુ’ બ્લેકમેલિંગ ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો



અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો એક્શન: ‘લવ ગુરુ’ બ્લેકમેલિંગ ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો



અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે મહિલાઓની સુરક્ષા અને ઓનલાઈન સાયબર શોષણ સામે શરૂ કરાયેલા ‘Mission Cyber Rakshika’ અંતર્ગત આંતરરાજ્ય બ્લેકમેલિંગ ગેંગના વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના જયપુર ખાતેથી વિકાસ પોખરાજ ભાર્ગવ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં અગાઉ રજનીશ ભાર્ગવ નામના આરોપીને બિકાનેરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા પર astrologer_pooja_kinnar_maa, kinnargurumatasushilaji અને acharya_vikasshastri જેવા ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી લોકોને જાળમાં ફસાવતા હતા. આરોપીઓ ઈન્સ્ટાગ્રામ પર ‘એડ બૂસ્ટિંગ’ કરીને ખાસ કરીને 18થી 35 વર્ષની મહિલાઓ અને યુવકોને ટાર્ગેટ કરતા હતા. ‘લવ પ્રોબ્લેમ’, લગ્નજીવનની સમસ્યા અને જ્યોતિષના નામે ઓનલાઈન જાહેરાતો ચલાવી ભોગ બનનારનો વિશ્વાસ જીતવામાં આવતો હતો.
પોલીસ તપાસ મુજબ આરોપીઓ પ્રેમ સંબંધ અને વ્યક્તિગત સમસ્યાઓના ઉકેલના બહાને ભોગ બનનાર પાસેથી ફોટા મંગાવતા અને પછી તે ફોટાઓને મોર્ફ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલિંગ શરૂ કરતા હતા. વશીકરણ અને ગુપ્ત વિધિના બહાને વ્હોટ્સએપ વીડિયો કોલ દરમિયાન ભોગ બનનારને નગ્ન થવા મજબૂર કરવામાં આવતા અને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેવામાં આવતું હતું.
સાયબર ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગેંગના વિવિધ બેંક ખાતાઓમાં છેલ્લા બે વર્ષ દરમિયાન અંદાજે રૂ. 60 લાખના ટ્રાન્ઝેક્શન થયા છે. અત્યાર સુધીમાં 65થી વધુ લોકો આ ગેંગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. માત્ર છેલ્લા એક મહિનામાં જ આરોપીઓએ અંદાજે 300 જેટલા મોબાઈલ નંબરો પર સંપર્ક કર્યો હતો.
અમદાવાદની એક મહિલા પીડિતાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 1,43,951 પડાવી લીધા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હાલ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે.




