Get News Alerts

Never miss breaking news updates.

દાહોદમાં મોટી કાર્યવાહી કારમાંથી 2.56 કરોડની રોકડ જપ્ત, પોલીસ તપાસ શરૂ

લીમખેડાના ધનપુર ચોકડી પાસે પોલીસ દ્વારા નિયમિત વાહન ચકાસણી અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક અર્ટિગા કારને રોકી તેની તલાશી લેવામાં આવી. તપાસ દરમ્યાન કારમાં ત્રણ શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા.
Rahul Desai
Rahul DesaiUpdated on: 17 May 2026 12:32 PM IST
દાહોદમાં મોટી કાર્યવાહી  કારમાંથી 2.56 કરોડની રોકડ જપ્ત, પોલીસ તપાસ શરૂદાહોદમાં મોટી કાર્યવાહી  કારમાંથી 2.56 કરોડની રોકડ જપ્ત, પોલીસ તપાસ શરૂ

દાહોદ: ગુજરાતના દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારમાં પોલીસની નિયમિત વાહન ચકાસણી દરમિયાન એક કારમાંથી અંદાજે 2.56 કરોડ રૂપિયા જેટલી બિનહિસાબી રોકડ મળી આવી છે. પોલીસે સમગ્ર રકમ જપ્ત કરી તપાસ શરૂ કરી છે.

માહિતી અનુસાર, લીમખેડાના ધનપુર ચોકડી પાસે પોલીસ દ્વારા નિયમિત વાહન ચકાસણી અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક અર્ટિગા કારને રોકી તેની તલાશી લેવામાં આવી. તપાસ દરમ્યાન કારમાં ત્રણ શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા.

પોલીસ અધિકારીઓની હાજરીમાં પાર્સલ ખોલવામાં આવ્યા ત્યારે તેમાં નોટોના બંડલ મળી આવ્યા. ગણતરી બાદ કુલ રોકડ રકમ ₹2,56,80,500 હોવાનું બહાર આવ્યું.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ રકમ દાહોદની એક અંગડિયા ફર્મથી વડોદરા લઈ જવામાં આવી રહી હતી. કાર ચાલકની ઓળખ રાજુભાઈ નિનામા તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન તે રોકડ અંગે કોઈ કાયદેસર દસ્તાવેજો અથવા સ્પષ્ટ પુરાવા રજૂ કરી શક્યો નથી.

ચાલકે પોલીસને જણાવ્યું કે દાહોદના ભરત ચોપડા નામના વ્યક્તિએ તેને આ રકમ વડોદરા પહોંચાડવા માટે આપી હતી.

લીમખેડા પોલીસે BNSSની સંબંધિત કલમો હેઠળ સમગ્ર રોકડ જપ્ત કરી તેને સરકારી ખજાનામાં જમા કરાવી છે. સાથે જ કેસની નોંધ કરી આ અંગેની જાણ આવકવેરા વિભાગને પણ કરવામાં આવી છે. હાલ પોલીસ રોકડના સ્ત્રોત, તેના ઉપયોગ અને સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે ગુજરાતમાં 2.5 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં સબ-રજિસ્ટ્રાર સહિત ચાર લોકોની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીએ સંપત્તિ દસ્તાવેજ નોંધણી માટે સંપર્ક કર્યો હતો, જેમાં લાંચની માંગણી કરવામાં આવી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.