રાજકોટ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: 400 કિલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, 3 શંકાસ્પદો ATSને સોંપાયા



રાજકોટ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: 400 કિલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, 3 શંકાસ્પદો ATSને સોંપાયા



રાજકોટ: રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પરથી અંદાજે 10 કરોડ રૂપિયાની કિંમતનો 400 કિલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. આ મામલે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ની બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
માહિતી અનુસાર, શનિવારે મુંબઈથી રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટના કાર્ગોમાં આવેલા સામાનની તપાસ દરમિયાન આ મોટો ખુલાસો થયો હતો. ચાંદીનો જથ્થો વારાણસીની એક પેઢી દ્વારા રાજકોટની પેઢીને મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કાર્ગોની વિગતવાર તપાસ દરમિયાન ચાંદીના જથ્થા સંબંધિત બિલ, મોકલનાર અને પ્રાપ્તકર્તા અંગે શંકાસ્પદ બાબતો સામે આવી છે, જેના કારણે સમગ્ર જથ્થાને કબજે લેવામાં આવ્યો છે.
આ કાર્યવાહી બાદ સેન્ટ્રલ GST અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પણ અલગથી તપાસ શરૂ થવાની શક્યતા છે. એટીએસ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે આ કેસ સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને પૂછપરછ માટે એટીએસને સોંપવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.




