ભાવનગર બેંક હેકિંગ કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ, કુલ 10 આરોપી ઝડપાયા

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની કોર બેંકિંગ સિસ્ટમ હેક કરી રૂ. 7.3 કરોડની ઉચાપત કરવાના ચકચારી સાયબર ફ્રોડ કેસમાં તપાસનો ધમધમાટ યથાવત છે. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડતાં કેસમાં ધરપકડનો આંકડો 10 પર પહોંચ્યો છે. હેકરોએ ચાર નિષ્ક્રિય ખાતામાં ખોટી બેલેન્સ ઊભી કરી કરોડોની રકમ 135 બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
Rahul Desai
Rahul Desai
ભાવનગર બેંક હેકિંગ કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ, કુલ 10 આરોપી ઝડપાયાભાવનગર બેંક હેકિંગ કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ, કુલ 10 આરોપી ઝડપાયા

અમદાવાદ: ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની કોર બેંકિંગ સિસ્ટમ હેક કરવાના કેસમાં ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ સાથે કેસમાં અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા 10 થઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ સાયબર ફ્રોડથી મેળવેલી રકમ ટ્રાન્સફર કરવા માટે બેંક ખાતાંની વ્યવસ્થા કરતા નેટવર્કનો ભાગ હતા. હેકરોએ બેંકના સર્વર, ડેટાબેઝ અને કોર બેંકિંગ સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને આશરે રૂ. 7.3 કરોડની રકમ ગેરકાયદે રીતે ઉપાડી લીધી હોવાનો આરોપ છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ બેંકની સિસ્ટમમાં અનધિકૃત પ્રવેશ મેળવી ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં ચેડાં કર્યા હતા. ચાર નિષ્ક્રિય બેંક ખાતાંમાં ખોટી બેલેન્સ એન્ટ્રીઓ ઊભી કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવટી રીતે ઊભી કરાયેલી રકમ 135 અલગ-અલગ બેંક ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેથી સિન્ડિકેટના સભ્યો વચ્ચે નાણાં વહેંચી શકાય. આ સમગ્ર કૌભાંડના કારણે બેંકને મોટું આર્થિક નુકસાન થયું હતું.

તાજેતરમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં સુરતના 36 વર્ષીય અનિલ અગ્રાવત, આણંદ જિલ્લાના વાસદના 32 વર્ષીય ભૂમિલ પટેલ અને રાજસ્થાનના ચોમુના 28 વર્ષીય વિકાસ ચૌધરીનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા મુજબ, અનિલ અગ્રાવતે પોતાનું બેંક ખાતું આ ફ્રોડ માટે ઉપયોગમાં લેવા દીધું હોવાનો આરોપ છે. ભૂમિલ પટેલે સંબંધિત ખાતામાં ઇન્ટરનેટ બેંકિંગ એક્ટિવ કરી લોગિન ક્રેડેન્શિયલ્સ બનાવ્યા અને તે સિન્ડિકેટના અન્ય સભ્યો સાથે શેર કર્યા હોવાનો આરોપ છે.

જ્યારે વિકાસ ચૌધરી બેંક ખાતું ખોલાવવા માટે ભૂમિલ પટેલ સાથે ભાવનગર ગયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વિકાસ ચૌધરી હેકિંગ નેટવર્કના અન્ય સભ્યોના સંપર્કમાં પણ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે તેની ભૂમિકાની વધુ તપાસ ચાલી રહી છે.