Bharuch : દહેજ GIDC માં આવેલી કેમિકલ કંપનીમાં ભયાનક આગ, 7 કિમી સુધી સંભળાયા ધડાકાના અવાજ

Bharuch ના દહેજ GIDC વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોમવારે ભીષણ આગ લાગતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. બ્લાસ્ટના અવાજ આશરે 7 કિલોમીટર દૂર સુધી સંભળાયા હોવાની માહિતી સામે આવી છે.
Growth Now News
Growth Now News
BharuchBharuch

Bharuch

Bharuch : પ્રાથમિક આશંકા મુજબ સોલ્વંટના ડ્રમમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બ્લાસ્ટ બાદ થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં આગે કંપનીના મોટા વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આગના કારણે સમગ્ર પ્લાન્ટમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો.

7 થી વધુ ફાયરની ટીમો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ દહેજ GIDC અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે કામે લાગી હતી. ફાયર ફાઇટરોએ પાણી તેમજ ફોમનો મારો ચલાવી આગને નિયંત્રણમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે કંપનીના સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં આગની જ્વાળાઓ જોવા મળી રહી હતી. ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગવાના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભીષણ આગથી દહેજ GIDC ધણધણ્યું
બ્લાસ્ટના ધડાકા દૂર સુધી સંભળાતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, હાલ મળતી પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગની ઘટનામાં કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે કે નહીં તે અંગે પણ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. હાલ ફાયર વિભાગની ટીમો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. કંપનીમાં કયા પ્રકારના સોલ્વંટ અથવા જ્વલનશીલ પદાર્થોના કારણે આગ વધુ વિકરાળ બની તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આગનું ચોક્કસ કારણ શું હતું, બ્લાસ્ટ કેવી રીતે થયો અને કંપનીને કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ નુકસાનનું આકલન કરવામાં આવશે.