બરડા વન્યજીવ અભયારણ્યની રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ લીધી મુલાકાત, માલધારીઓને ઘાસ કાર્ડનું વિતરણ


બરડા વન્યજીવ અભયારણ્યની રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ લીધી મુલાકાત, માલધારીઓને ઘાસ કાર્ડનું વિતરણ


દેવભૂમિ દ્વારકા/પોરબંદર: દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વિસ્તરેલા બરડા વન્યજીવ અભયારણ્યની ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓ સાથે જંગલ સફારી કરી હતી અને અભયારણ્યમાં ચાલી રહેલી વન વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.
એશિયાઈ સિંહો માટેના બીજા વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક આશ્રયસ્થાન તરીકે વિકસાવવામાં આવી રહેલા બરડા અભયારણ્યમાં સંરક્ષણ અને વન્યજીવ વ્યવસ્થાપન અંગે અધિકારીઓએ રાજ્યમંત્રીને વિગતવાર માહિતી આપી હતી. અભયારણ્યમાં વન્યજીવોના સંરક્ષણ ઉપરાંત વનસ્પતિ વૈવિધ્ય પણ નોંધપાત્ર છે. અહીં વૃક્ષો, ઝાડીઓ અને ઔષધિઓ સહિત આશરે 368 જેટલી વનસ્પતિ પ્રજાતિઓ નોંધાઈ છે.
મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ વન વિસ્તાર હેઠળ આવેલા બાળા નેસની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે માલધારી પરિવારો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી.
ચાલુ વર્ષે વરસાદની વિપરીત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલકોને રાહત આપવા માટે ઘાસ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઘાસ કાર્ડની મદદથી માલધારી પરિવારોને તેમના પશુઓ માટે જરૂરી ઘાસચારો મેળવવામાં સહાય મળશે.
આ પ્રસંગે વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ માલધારી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બરડા અભયારણ્યમાં વન્યજીવ સંરક્ષણ સાથે સ્થાનિક માલધારીઓના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.




