સુરતમાં ભાજપના યુવા નેતાની હત્યા: ‘મમ્મી મોડો આવીશ’ કહી ઘરેથી નીકળેલા જય દલાલની જાહેરમાં હત્યા



સુરતમાં ભાજપના યુવા નેતાની હત્યા: ‘મમ્મી મોડો આવીશ’ કહી ઘરેથી નીકળેલા જય દલાલની જાહેરમાં હત્યા



સુરત: સુરતમાં ભાજપ સાથે સંકળાયેલા યુવા નેતા જય દલાલની જાહેરમાં કરાયેલી હત્યાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. ઉધના રોડ નંબર-6 વિસ્તારમાં ગત મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારો વડે કરવામાં આવેલા ઘાતકી હુમલામાં ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલનું મોત નિપજ્યું હતું.
મૃતકની માતા અને મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલે જણાવ્યું હતું કે, “જયે ઘરેથી નીકળતા પહેલા કહ્યું હતું કે મમ્મી હું મોડો આવવાનો છું, જમવાનું નથી.” ત્યારબાદ મધરાતે હોસ્પિટલમાંથી ફોન આવતા સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
પરિવારજનોએ આરોપી મિલિન ચકલી, પંકજ પાટીલ સહિત ત્રણ શખસો પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પિતાએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
ACP ચિરાગ વાડોદરિયાના જણાવ્યા અનુસાર, ત્રણ શખસો બાઇક પર આવી જય દલાલ પર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. ગંભીર હાલતમાં જયને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પ્રાથમિક તપાસમાં ત્રણ મહિના જૂના ઝઘડાને લઈને આ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચર્ચાઓ તેજ બની છે.




