ખડગેના નિવેદન સામે ગાંધીનગરમાં ભાજપનું મૌન ધરણા, કોંગ્રેસ પાસે માફીની માંગ



ખડગેના નિવેદન સામે ગાંધીનગરમાં ભાજપનું મૌન ધરણા, કોંગ્રેસ પાસે માફીની માંગ



ગાંધીનગર: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગાંધીનગર શહેર ભાજપ અને મહાનગર દ્વારા આજે આ નિવેદનના વિરોધમાં એક કલાકના મૌન ધરણા યોજીને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરો અને નેતાઓએ કોંગ્રેસ પાસે જાહેર માફીની માંગણી કરી હતી.
કોંગ્રેસની નિરાશા આક્ષેપોમાં દેખાય છે: રીટાબેન પટેલ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ચૂંટણીઓમાં પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે બેબાકળી બની છે. તેમની દાળ ગળતી નથી એટલે તેઓ ગુજરાત અને ગુજરાતીઓ પર આવા નિરાધાર આક્ષેપો કરી રહ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તો એ પણ ખબર નથી પડતી કે શાકભાજી લીટરમાં આવે કે કિલોમાં!

ગુજરાતનું દેશના વિકાસમાં યોગદાન ધારાસભ્યએ ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસની યાદ અપાવતા કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ અને વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ જેવી મહાન વિભૂતિઓ ગુજરાતની દેન છે, જે કોંગ્રેસે ભૂલવું જોઈએ નહીં. આજે દેશની આર્થિક પ્રગતિમાં પણ ગુજરાતનો ફાળો 10 ટકાથી વધુ છે. કોંગ્રેસ હંમેશા જાતિવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિ કરતી આવી છે, પરંતુ રાજ્યની જનતા કોંગ્રેસના આ રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનને ક્યારેય માફ નહીં કરે.
મૌન પાળી વ્યક્ત કર્યો વિરોધ
ગાંધીનગર શહેર ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ કાળા પટ્ટા ધારણ કરી અથવા મૌન રહીને કોંગ્રેસની વિચારધારા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની છબી ખરડવાનો પ્રયાસ કરી રહી છે, જેની સામે ભાજપ સજ્જડ વિરોધ ચાલુ રાખશે. આ કાર્યક્રમને પગલે ગાંધીનગરના રાજકીય વાતાવરણમાં ભારે ચર્ચાઓ જાગી છે.




