ઈસનપુર સ્કૂલ નજીક ધોરણ 8ના વિદ્યાર્થી પર હુમલો, ઓપરેશન સુધી પહોંચ્યો મામલો



AI Image
ઈસનપુર સ્કૂલ નજીક ધોરણ 8ના વિદ્યાર્થી પર હુમલો, ઓપરેશન સુધી પહોંચ્યો મામલો



AI Image
અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી પબ્લીક સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી પર હુમલો થવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનામાં વિદ્યાર્થીની આંખના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી, જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઈજા ગંભીર હોવાને કારણે તેનું ઓપરેશન કરવું પડ્યું હતું.
મળતી માહિતી મુજબ, 20મી તારીખે ધોરણ 8ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર નીકળ્યા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઝગડામાં પરિવર્તિત થયો હતો. આ દરમિયાન ઝગડો અટકાવવા માટે વચ્ચે પડેલા એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને નજીકમાં પડેલા પરિકરથી તેની આંખમાં હુમલો કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્કૂલના શિક્ષકોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને એલ.જી. હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો અને તેના વાલીઓને જાણ કરવામાં આવી હતી. વાલીઓ પણ તરત જ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.
બીજી તરફ, બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
આ મામલે સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે આ ઘટના સ્કૂલના પરિસરમાં નહીં પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષા પૂરી કરીને બહાર નીકળ્યા બાદ સ્કૂલની બહાર બની હતી. તેમણે વધુમાં જણાવ્યું કે બનાવ માટે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




