અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 24 કલાકમાં ધનસુરામાં 4.88 ઇંચ વરસાદ



અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 24 કલાકમાં ધનસુરામાં 4.88 ઇંચ વરસાદ



અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જિલ્લાના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. જિલ્લામાં કુલ 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ધનસુરા તાલુકામાં નોંધાયો છે. ધનસુરામાં 4.88 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે સાઠંબા તાલુકામાં પણ 3.93 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી છે.
સતત વરસાદના પગલે નદી-નાળામાં નવા નીરની આવક શરૂ થઈ છે. મોડાસા તેમજ વાણિયાદની માઝુમ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નદીઓમાં પાણીની આવક વધતા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ વધુ ઘેરો બન્યો છે.
બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આજે પણ અરવલ્લી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આગામી કલાકોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા લોકોને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.





