ગુજરાતીઓને 'અભણ' કહેતા ખડગે સામે રાજકોટમાં રોષ: કિશનપરા ચોકે ભાજપના મૌન ધરણા વિરોધ કર્યો



ગુજરાતીઓને 'અભણ' કહેતા ખડગે સામે રાજકોટમાં રોષ: કિશનપરા ચોકે ભાજપના મૌન ધરણા વિરોધ કર્યો



કેરળમાં આપેલા વિવાદાસ્પદ નિવેદનનો રાજ્યવ્યાપી વિરોધ: ભાજપના નેતાઓએ કહ્યું- ‘ગાંધીજીથી મોદી સુધી ગુજરાતીઓનો વિશ્વમાં ડંકો છે, અપમાન સહન નહીં કરાય’
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળની એક રેલીમાં ગુજરાતીઓ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને પગલે સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખડગેએ ગુજરાતીઓને કથિત રીતે 'અભણ અને મૂર્ખ' ગણાવતા તેના પ્રત્યાઘાત રૂપે ગઈકાલે રાજકોટના કિશનપરા ચોક ખાતે શહેર ભાજપ દ્વારા મૌન ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગુજરાતીઓના અપમાનનો ચૂંટણીમાં જવાબ અપાશે આ પ્રસંગે ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓએ હંમેશા દેશ અને દુનિયાને નવી દિશા ચીંધી છે. મહાત્મા ગાંધીથી માંડીને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના ગુજરાતીઓએ વિશ્વ સ્તરે ભારતનું માન વધાર્યું છે. બિઝનેસ, આઈટી, કલા કે રાજકારણ - દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓ આજે અગ્રેસર છે. આવા પ્રગતિશીલ લોકોને 'અભણ' કહીને ખડગેએ સાત કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે.
મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી કિશનપરા ચોક ખાતે યોજાયેલા આ મૌન ધરણામાં ભાજપના સ્થાનિક નેતાઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. સૌએ એકસૂરે માંગ કરી હતી કે કોંગ્રેસ અધ્યક્ષ પોતાના નિવેદન બદલ ગુજરાતની જનતાની માફી માંગે. જો કોંગ્રેસ માફી નહીં માંગે તો આવનારી ચૂંટણીઓમાં જનતા બેલેટ પેપરના માધ્યમથી આ અપમાનનો જડબાતોડ જવાબ આપશે.




