અમરેલીના વડિયામાં શ્વાનનો આતંક, 7 વર્ષના બાળક પર હુમલો કરતા મોત



અમરેલીના વડિયામાં શ્વાનનો આતંક, 7 વર્ષના બાળક પર હુમલો કરતા મોત



Amreli News: અમરેલી જિલ્લાના વડીયા પંથક વિસ્તારમાં શ્વાનોના હિંસક બનવાની ગંભીર ઘટના સામે આવી છે. છેલ્લા 20થી 25 દિવસ દરમિયાન 4 બાળકો પર જીવલેણ હુમલાની ઘટનાઓ નોંધાઈ છે. જેમાંથી બે બાળકોના મોત થયાની માહિતી સામે આવી રહી છે.
વડીયા તાલુકાના ખાન ખીજડિયા સીમ વિસ્તારમાં 4થી 5 શ્વાન હિંસક બનીને લોકોનો ભોગ લઈ રહ્યા હોવાની ચર્ચા છે. આ કારણે સ્થાનિકોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે.
આજે ફરી એકવાર ખેતમજૂરના બાળક પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં બાળકનું મોત થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, પ્રફુલભાઈ માવજીભાઈ બોરડના ખેતરમાં આ ઘટના બની હતી.
આ અગાઉ પણ મગનભાઈ બારૈયાના 7 વર્ષના દીકરા રોમિત પર હુમલો થયો હતો, તેવી માહિતી સામે આવી છે. સતત બાળકોને નિશાન બનાવતી ઘટનાઓને કારણે સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારમાં ચિંતા અને ગભરાટનો માહોલ છે. સ્થાનિક લોકો દ્વારા તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને હિંસક શ્વાનોના નિયંત્રણ માટે કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.




