સાવરકુંડલામાં યુવકની હત્યા, પૈસાની લેતીદેતી મામલે કુંટુંબીજનોએ જ પતાવી દીધો!



સાવરકુંડલામાં યુવકની હત્યા, પૈસાની લેતીદેતી મામલે કુંટુંબીજનોએ જ પતાવી દીધો!



અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલામાં હત્યાની ઘટના સામે આવી છે. સાવરકુંડલાના બાબરિયાધારથી આવેલા વ્યક્તિને પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ થઈ હતી અને અંતે આ ઘટના હત્યામાં પરિણમી હતી. આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, રાજુલાના બાબરીયાધારથી ફઈના દીકરાના ઘરે આવેલા મામાના દીકરા સાથે પૈસાની બાબતે માથાકૂટ થઈ હતી. ત્યારે પાંચેક દિવસ પહેલાં હાથસણી રોડ પર મામાના દીકરા સાથે આ મામલે તકરાર સર્જાઈ હતી. તે સમયે બાબરીયાધારના હર્ષદ પરમારને કુટુંબી ભાઈ-ભાભી અને 2 અજાણ્યા શખ્સોએ ઢોરમાર માર્યો હતો.
યુવકને લોખંડની પાઇપ અને કુહાડી વડે માર મારતા પગમાં ઇજા થઈ હતી. ત્યારબાદ તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પાંચ દિવસની ટૂંકી સારવાર બાદ હર્ષદ પરમારનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના મામલે હાલ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આરોપીને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




