અમરેલીના રાજુલા-લાઠી સહિત ખાંભા-ગીર પંથકમાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત



અમરેલીના રાજુલા-લાઠી સહિત ખાંભા-ગીર પંથકમાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત



Amreli Rain: અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. જિલ્લાના અનેક તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી છે. અમરેલી જિલ્લાના રાજુલા, લાઠી, ખાંભા સહિત ગીર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે અનેક જગ્યાએ રાહદારીઓ સહિત વાહનચાલકોને મુશ્કેલી પડતા જનજીવન ખોરવાયું છે.
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ચોમાસાની સિઝનના પ્રથમ જ ભારે વરસાદે શહેરને પ્રભાવિત કર્યું છે. મેઘરાજાની જોરદાર બેટિંગને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજુલાની મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવેલી ચોક વિસ્તારમાં અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને નુકસાનની ભીતિ ઉભી થઈ છે.
રાજુલા ઉપરાંત માંડરડી, ઝાંપોદર, આગરીયા સહિત આસપાસના ગામોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બપોર બાદ લાઠી અને રાજુલા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. વરસાદની શરૂઆત થતાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ચોમાસાનો માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીને અનુરૂપ જિલ્લામાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખાંભા શહેર અને ગીર પંથકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદે સમગ્ર વિસ્તારમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. ખાંભા તાલુકાના ઉમરીયા, પીપળવા, નાનુડી, નાના વિસાવદર, જામકા, ત્રાકુડા સહિતના અનેક ગામોમાં સારો વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે, જ્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. ખાંભા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.




