અમરેલીમાં પેટ્રોલ-ડીઝલની અછત, પંપ પર લાંબી લાઈનો લાગી



અમરેલીમાં પેટ્રોલ-ડીઝલની અછત, પંપ પર લાંબી લાઈનો લાગી



Amreli News: અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા અનેક પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો જોવા મળી રહી છે. પેટ્રોલ-ડીઝલની તંગીને કારણે લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે અને વહેલી સવારથી જ વાહનચાલકો તેમજ ખેડૂતો પેટ્રોલ પંપ પર ઉમટી રહ્યા છે.
ખાસ કરીને ધારી તાલુકામાં સ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં ખેતીની સિઝન ટાંકણે ડીઝલની અછત ઉભી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રેક્ટર અને કૃષિ સાધનો માટે ડીઝલ મેળવવા ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. પેટ્રોલ પંપો પર વાહનોની સાથે પ્લાસ્ટિકના બેરલોની પણ લાંબી કતારો લાગી હતી. ડીઝલ મેળવવા માટે લોકો વચ્ચે ધક્કામુક્કીની સ્થિતિ પણ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિકોમાં પુરવઠા વિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે, પુરવઠા વિભાગ સમગ્ર મામલે મૂક પ્રેક્ષક બની બેઠો છે અને સમસ્યાના ઉકેલ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી.
તો બીજી તરફ, અમરેલી જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. સાવરકુંડલાના મહુવા રોડ સ્થિત પેટ્રોલ પંપ પર ડીઝલનું એક ટેન્કર પહોંચતા ખેડૂતો અને વાહનચાલકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. ડીઝલનું ટેન્કર પહોંચતાની સાથે જ પેટ્રોલ પંપ પર વાહનચાલકોના થપ્પા લાગી ગયા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા અને લાંબી લાઇનો જોવા મળી હતી.
પેટ્રોલ પંપ સંચાલક દ્વારા ટ્રેક્ટર દીઠ રૂ. 2500 સુધીના ડીઝલનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછતને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોમાં ડીઝલ મળતા હાશકારો ફેલાયો હતો. ખેતીની સિઝન દરમિયાન ઉભી થયેલી ડીઝલની તંગી વચ્ચે ટેન્કર પહોંચતા સ્થાનિકોમાં થોડો રાહતનો અનુભવ થયો છે.




