Get News Alerts

Never miss breaking news updates.

બાબરાના ચમારડી ગામે આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં ગુણવત્તાની ગંભીર ક્ષતિ, આરોગ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

Amreli News: રાજ્ય સરકાર વિકાસકાર્યોમાં ભ્રષ્ટાચાર, બેદરકારી અને નબળી ગુણવત્તા સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે કાર્યરત છે. આ નીતિ અંતર્ગત અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે નિર્માણાધિન આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં ગંભીર ક્ષતિઓ અને ગુણવત્તાના ધોરણો અંગે થયેલી ફરિયાદને ધ્યાને લઈ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક અને કડક કાર્યવાહી હાથ ધરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jun 2026 05:29 PM IST
બાબરાના ચમારડી ગામે આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં ગુણવત્તાની ગંભીર ક્ષતિ, આરોગ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશબાબરાના ચમારડી ગામે આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં ગુણવત્તાની ગંભીર ક્ષતિ, આરોગ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

Amreli News: રાજ્ય સરકાર વિકાસકાર્યોમાં ભ્રષ્ટાચાર, બેદરકારી અને નબળી ગુણવત્તા સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે કાર્યરત છે. આ નીતિ અંતર્ગત અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે નિર્માણાધિન આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં ગંભીર ક્ષતિઓ અને ગુણવત્તાના ધોરણો અંગે થયેલી ફરિયાદને ધ્યાને લઈ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક અને કડક કાર્યવાહી હાથ ધરી છે.

ચમારડી ગામના સ્થાનિક સરપંચ દ્વારા આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તા, બેદરકારી અને ટેક્નિકલ ક્ષતિઓ અંગે પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ ફરિયાદને અત્યંત ગંભીરતાથી લઈને મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક પ્રાથમિક તપાસના આદેશ આપ્યા હતા.

પ્રાથમિક તપાસ દરમિયાન, ફરિયાદમાં દર્શાવાયેલા મુદ્દાઓમાં તથ્ય જણાતા, ફરજ પ્રત્યેની બેદરકારી અને ગુણવત્તા નિયંત્રણમાં નિષ્ફળતા બદલ જવાબદાર એન્જિનિયરને તાત્કાલિક શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રના માળખાગત વિકાસ માટે કરોડો રૂપિયાનું રોકાણ કરે છે. આવા સંજોગોમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવતા જાહેર ભવનોના બાંધકામમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગુણવત્તા સાથેની બાંધછોડ સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સુરક્ષિત, મજબૂત અને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. જાહેર નાણાંનો એક-એક રૂપિયો નિર્ધારિત ધોરણો અને નિયમો મુજબ ખર્ચાય તે સુનિશ્ચિત કરવું સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ચમારડી સબ-સેન્ટરના સમગ્ર બાંધકામની ઊંડાણપૂર્વક તકનીકી તપાસ હાથ ધરવા તથા જ્યાં જ્યાં ગુણવત્તા સંબંધિત ક્ષતિઓ જણાય ત્યાં જવાબદારો સામે કડક વહીવટી પગલાં લેવા સૂચના આપી છે. આ સાથે જ તમામ ખામીઓ નિયત ધોરણો મુજબ દૂર કરીને જરૂરી હોય ત્યાં નવેસરથી બાંધકામ કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

મંત્રીની આ ઝડપી અને કડક કાર્યવાહીએ કોન્ટ્રાક્ટરો, એન્જિનિયરો અને સંબંધિત વિભાગોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, વિકાસકાર્યોમાં ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી સાથે કોઈપણ પ્રકારનો સમાધાન કરવામાં આવશે નહીં. ભવિષ્યમાં પણ જાહેર હિત વિરુદ્ધ કાર્ય કરનારાઓ સામે કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી યથાવત્ ચાલુ રહેશે.
 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.