અમરેલી: એક જ આંબા પર 14 પ્રકારની કેરીઓ ઉગાડીને ખેડૂતે સર્જ્યો અનોખો ચમત્કાર



અમરેલી: એક જ આંબા પર 14 પ્રકારની કેરીઓ ઉગાડીને ખેડૂતે સર્જ્યો અનોખો ચમત્કાર



અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામમાં એક અનોખો અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક જ આંબાના વૃક્ષ પર 14 અલગ-અલગ પ્રકારની કેરીઓ ઉગાડવામાં આવી છે. પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ પોતાના ઘરના આંગણે આવેલા આ આંબાના વૃક્ષ પર વિવિધ જાતોની કલમો ચડાવીને આ અદભુત સિદ્ધિ હાંસલ કરી છે.
ઉકાભાઈ ભટ્ટી, જે અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂત તરીકે ઓળખાય છે, તેમના 20 વિધાની ખેતીના વિસ્તારમાં કેરીનો વિશાળ બગીચો ધરાવે છે. પરંતુ સૌથી વિશેષ આકર્ષણ તેમના ઘરના આંગણે આવેલું એ આંબાનું વૃક્ષ છે, જેમાં એક સાથે આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ સહિત કુલ 14 પ્રકારની કેરીઓ પાકે છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, આ એક જ આંબા પર 14 પ્રકારની કેરીઓનું ઉગવું બાગાયતી ક્ષેત્રમાં એક અનોખી સિદ્ધિ છે. અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો આ પ્રયોગનો અભ્યાસ કરવા માટે દિતલા ગામે આવી રહ્યા છે.
ઉકાભાઈ ભટ્ટીનું કહેવું છે કે, જૂની અને દુર્લભ કેરીની જાતોને બચાવવા તેમજ નવી પેઢીને તેની ઓળખ મળે તે માટે તેમણે અલગ-અલગ જગ્યાએથી કલમો લાવીને આ વૃક્ષ તૈયાર કર્યું છે. નાળિયેરીયો, ગુલાબીયો, દાડમો, સિંદુરીયો, કાળો જમાદાર, વરિયાળીયો, સરદાર, પાયલોટ અને આષાઢીયો જેવી અનેક જાતોની કેરીઓ આ વૃક્ષ પર જોવા મળે છે.
અગાઉના સમયમાં અનેક પ્રકારની કેરીઓ જોવા મળતી હતી, પરંતુ સમય સાથે અનેક જાતો લુપ્ત થઈ ગઈ હોવાની ચર્ચા વચ્ચે ઉકાભાઈ ભટ્ટીએ આ પ્રયોગ દ્વારા બાગાયતી વારસાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે.
સ્થાનિક લોકો પણ આ અનોખા આંબાને જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને તેને બાગાયતી ક્ષેત્રનું એક પ્રેરણાદાયક ઉદાહરણ ગણાવી રહ્યા છે.




