અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારતની ચાર દિવસીય મુલાકાતે, ક્વાડ દેશની બેઠકમાં ભાગ લેશે



અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારતની ચાર દિવસીય મુલાકાતે, ક્વાડ દેશની બેઠકમાં ભાગ લેશે



America Foreign Minister India Visit: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો શનિવારે સવારે ભારતની ચાર દિવસીય મુલાકાત માટે કોલકાતા આવી પહોંચ્યા હતા. 14 વર્ષ પછી કોઈ અમેરિકન વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ દિલ્હી રૂટની ફ્લાઈટ દ્વારા કોલકાતાની મુલાકાતે આવી પહોંચ્યા છે. આ પહેલા હિલેરી ક્લિન્ટન 2012માં કોલકાતાની મુલાકાતે આવ્યા હતા. રુબિયો મિશનરીઝ ઓફ ચેરિટીના મધર ટેરેસા હાઉસ પહોંચ્યા હતા.
અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ રુબિયો કોલકાતા પહોંચ્યા બાદ મિશનરીઝ ઓફ ચેરિટી મધર હાઉસ અને મધર ટેરેસા ચિલ્ડ્રન હોમની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ કડક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોનું ભારતમાં સ્વાગત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સર્જિયો ગોરે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન ક્વાડ દેશોના વિદેશ પ્રધાનોની બેઠકનો પણ સમાવેશ થાય છે. આ એજન્ડા ખૂબ મહત્વાકાંક્ષી અને તેનો હેતુ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મજબૂત યુએસ-ભારત ભાગીદારીના વિઝનને આગળ વધારવાનો છે.
રુબિયો તેની ભારત મુલાકાત 23થી 26 મે દરમિયાન કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હીમાં રહેશે. આ દરમિયાન ઉર્જા સહયોગ, વેપાર, ટેક્નોલોજી અને સંરક્ષણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. 26 મેના રોજ, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશ મંત્રીઓ એસ જયશંકર સાથે ક્વાડ દેશોની બેઠકમાં પણ ભાગ લેશે. આમ, બંને દેશોના પ્રતિનિધિ વચ્ચેની બેઠક બાદ મહત્વના કરાર અંગે જાહેરાત થઈ શકે છે.




