ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના એંધાણ! અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં ચોમાસાની ધીમી ગતિ વચ્ચે વરસાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રીના એંધાણ આપ્યા છે. 13થી 16 જુલાઈ દરમિયાન વરસાદી માહોલ જામવાની શક્યતા છે, જ્યારે 22 જુલાઈ આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, જુલાઈના અંતિમ સપ્તાહથી ઓગસ્ટની શરૂઆત સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.
Rahul Desai
Rahul Desai
ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના એંધાણ! અંબાલાલ પટેલની મોટી આગાહીગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના એંધાણ! અંબાલાલ પટેલની મોટી આગાહી

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાની ગતિ ધીમી પડ્યા બાદ હવે ફરી મેઘરાજા જોરદાર બેટિંગ કરી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ જુલાઈના બીજા પખવાડિયાથી રાજ્યમાં વરસાદી માહોલ ફરી સક્રિય બનશે અને દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 13થી 16 જુલાઈ દરમિયાન સ્થાનિક સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. 13થી 14 જુલાઈ આસપાસ બંગાળની ખાડી સક્રિય બનવાના સંકેત છે. રથયાત્રાના દિવસે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે, જ્યારે 17થી 19 જુલાઈ દરમિયાન છૂટાછવાયા વરસાદી વાદળો જોવા મળી શકે છે.

22 જુલાઈ આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

આગાહી મુજબ 22 જુલાઈ આસપાસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, આહવા-ડાંગ, વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

27થી 30 જુલાઈ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ

25થી 26 જુલાઈ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ 27થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર અને પોરબંદરના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદનું જોર વધી શકે છે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

ઓગસ્ટની શરૂઆતમાં 'અણધાર્યા વરસાદ'ના એંધાણ

અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડી શકે છે. 9થી 11 ઓગસ્ટ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મોટા ફોરાં સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હિન્દ મહાસાગરમાં MJOની સ્થિતિ સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં MJOની અનુકૂળ સ્થિતિ અને ગ્રહોની સ્થિતિને કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું છે.

ચોમાસું કેમ પડ્યું ધીમું? અંબાલાલ પટેલે જણાવ્યું કારણ

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં ચોમાસાની ગતિ ધીમી પડી હતી. અરબી સમુદ્રમાં ગરમ પવનોની સ્થિતિ હોવા છતાં જરૂરી વરસાદી સિસ્ટમ બની શકી નહોતી. સમુદ્રમાં જે સિસ્ટમનું નિર્માણ થવું જોઈએ તે ન થતાં વરસાદનું જોર ઘટ્યું હતું.

બીજી તરફ પેસિફિક મહાસાગરમાં ટાયફૂન બન્યું છે, જેના અવશેષો ચીન તરફ આગળ વધવાની શક્યતા છે. ચોમાસાની સિસ્ટમ સામાન્ય રીતે પાકિસ્તાન તરફથી પશ્ચિમ બંગાળ તરફ ગતિ કરતી હોય છે. આશરે 5.8 કિલોમીટરની ઊંચાઈએ અનુકૂળ હવામાન સ્થિતિ સર્જાય તો ચોમાસા માટે તે લાભદાયક સાબિત થઈ શકે છે.

હવે બંગાળની ખાડી ફરી સક્રિય થવાના સંકેતો વચ્ચે ગુજરાતમાં જુલાઈના અંતિમ સપ્તાહથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.