અમદાવાદમાં જ્વેલરી શોપમાં ચોરી કરનારી મહિલાની ધરપકડ, બે જ્વેલર્સમાંથી ચોર્યા હતા લાખોના ઘરેણાં



અમદાવાદમાં જ્વેલરી શોપમાં ચોરી કરનારી મહિલાની ધરપકડ, બે જ્વેલર્સમાંથી ચોર્યા હતા લાખોના ઘરેણાં



Ahmedabad Crime News: અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાંથી ચોરી કરતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મોબાઇલ ચોરીથી લઈને બે જ્વેલર્સમાં ચોરીના કેસનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માણેક ચોકમાં આવેલી દુકાનમાં લાખો રૂપિયાની ચોરી થઈ હતી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી આરોપી મહિલાની ધરપકડ કરી છે.
પકડાયેલી આરોપી પલક રાજપૂત મૂળ અમદાવાદની રહેવાસી પરંતુ હાલ પોરબંદરમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. આરોપી પતિથી અલગ રહેતી હતી અને આર્થિક ભીંસ, દીકરાની હોસ્ટેલ ફી તેમજ દુકાનનું ભાડું ભરવાના દબાણ વચ્ચે ચોરીના રસ્તે ચડી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ માણેક ચોકની માઈશા જ્વેલર્સ તેમજ કાગડાપીઠ વિસ્તારમાં આવેલી કલ્યાણી ગોલ્ડ પેલેસ જ્વેલર્સમાં પણ ગ્રાહક બની દાગીના ખરીદવાના બહાને નજર ચૂકવી ચોરી કરી હતી. મહત્વનું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ કારંજ પોલીસ ચોકીમાં મોબાઈલ ચોરીનો ગુનો પણ નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.
ખાડિયા પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને ખાનગી બાતમીના આધારે આરોપીને પોરબંદર ભાગે તે પહેલાં ઝડપી પાડી તેની પાસેથી અંદાજે 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




