કોબા જતી કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ, મૃતક મેઘાણીનગરનો હોવાની આશંકા



કોબા જતી કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ, મૃતક મેઘાણીનગરનો હોવાની આશંકા



Ahmedabad Crime News: અમદાવાદ શહેરના એસપી રીંગ રોડથી કોબા જતી નર્મદા કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે, મૃતક યુવક મેઘાણીનગર વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જો કે, યુવકની ઓળખ અંગે પોલીસ દ્વારા વધુ વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.
આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવક કેનાલમાં કેવી રીતે પડ્યો અને તેના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




