અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના મહત્વના નિર્ણયો, ગેરકાયદે કબજાઓ સામે કાર્યવાહી તો મચ્છર નિયંત્રણ માટે 12 કરોડ મંજૂર



અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના મહત્વના નિર્ણયો, ગેરકાયદે કબજાઓ સામે કાર્યવાહી તો મચ્છર નિયંત્રણ માટે 12 કરોડ મંજૂર



Ahmedabad Municipal Corporation: અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના આવાસોમાં ગેરકાયદે કબજાઓ દૂર કરવા તેમજ ચોમાસા પહેલાં મચ્છરજન્ય રોગચાળો રોકવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
શાહપુર વિસ્તારમાં આવેલા EWS આવાસોમાં સરકારી તાળા તોડી ગેરકાયદે કબજો કરાયેલા 17 મકાનો એસ્ટેટ વિભાગ દ્વારા ખાલી કરાવવામાં આવ્યા છે. કાર્યવાહી બાદ તમામ મકાનોને ફરી સીલ કરવામાં આવ્યા છે અને જવાબદાર લોકો સામે FIR નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ PM આવાસ યોજના હેઠળના 367 મકાનોમાં ભાડુઆતો રહેતા હોવાનું પણ સામે આવ્યું હતું, જેના પગલે મનપાએ ગેરરીતિઓ સામે વધુ કડક વલણ અપનાવ્યું છે.
બીજી તરફ, ચોમાસા દરમિયાન મલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે ₹12 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. શહેરભરમાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં દરરોજ અંદાજે 200 ઘરોની તપાસ કરીને મચ્છરના પોરાનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે.
કાર્યવાહીમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે કર્મચારીઓને GPS આધારિત લાઈવ ફોટા અપલોડ કરવાનું ફરજિયાત બનાવાયું છે. આ સાથે જ કામગીરીમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરો સામે દંડની રકમ બમણી કરવામાં આવી છે અને પ્રતિ ઘર ₹50ની પેનલ્ટી વસૂલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના આ નિર્ણયોથી શહેરમાં ગેરકાયદે કબજાઓ પર નિયંત્રણ અને મચ્છરજન્ય રોગચાળો રોકવા માટે વધુ અસરકારક કામગીરી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




