અમદાવાદ મનપાની ગંભીર બેદરકારી, શહેરના સૌપ્રથમ EV ચાર્જિંગ સ્ટેશનની હાલત ખરાબ



અમદાવાદ મનપાની ગંભીર બેદરકારી, શહેરના સૌપ્રથમ EV ચાર્જિંગ સ્ટેશનની હાલત ખરાબ



Ahmedabad: અમદાવાદના પ્રખ્યાત પર્યટન સ્થળ પાસે ફૂટબોલ ગ્રાઉન્ડમાં બનાવવામાં આવેલું શહેરનું પ્રથમ ઈવી ચાર્જિંગ સ્ટેશન બેદરકારી અને બિનજવાબદારીનું પ્રતિક બની ગયું છે.
પ્રજાના ટેક્સના પૈસે ઊભો કરાયેલો આ પ્રોજેક્ટ, જેનું એક સમયે ગૌરવ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તે આજે ભંગાર હાલતમાં પડ્યું છે. સ્થળ પર સ્પષ્ટ જોવા મળે છે કે કેબલ્સ તૂટી ગયેલા છે, સાધનો ડેમેજ થયેલા છે અને સૌથી ગંભીર બાબત એ છે કે, ઈલેક્ટ્રિકલ DP ખુલ્લી હાલતમાં છે. જેમાંથી સંભવિત રીતે જીવલેણ કરંટ પસાર થતો હોય શકે છે.
એક તરફ શહેરમાં ઈવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની વાતો કરવામાં આવે છે, બીજી તરફ હકીકતમાં આવી બેદરકારી સામે આવે છે, તો શું આ વિકાસ માત્ર દેખાવ પૂરતો જ છે? આ સ્થળે દરરોજ મોટી સંખ્યામાં પર્યટકો, પરિવારો અને નાના બાળકો આવે છે. આવી ખુલ્લી અને જોખમી ઈલેક્ટ્રિકલ વ્યવસ્થા કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે છે. જો કોઈ નિર્દોષ નાગરિક આ બેદરકારીનો ભોગ બને, તો તેની જવાબદારી કોણ લેશે?
આ ઘટના અમદાવાદ મહાનગરપાલિકાની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઊભા કરે છે. તાત્કાલિક ધોરણે ઇવી સ્ટેશનને સુરક્ષિત બનાવવાની માગણી કરવામાં આવી છે. આ સાથે જ ખુલ્લી ડીપીને પણ સમારકામ કરી બંધ કરવામાં આવે અને સમગ્ર સિસ્ટમ સારી રીતે મેઇન્ટેઇન કરવામાં આવે તેવી નાગરિકોએ માગ કરી છે.




