‘મિલ કે બાંટે ખુશિયાં’ ફાઉન્ડેશન દ્વારા 120 બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ



‘મિલ કે બાંટે ખુશિયાં’ ફાઉન્ડેશન દ્વારા 120 બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ



Ahmedabad News: અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી મારુતિનંદન શાળામાં ‘મિલ કે બાંટે ખુશિયાં’ ફાઉન્ડેશન દ્વારા શાળામાં અભ્યાસ કરતા 120 બાળકોને સ્ટેશનરી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવેલા નમકિન પેકેટ અને લાઇવ ઢોકળા પણ પીરસવામાં આવ્યા હતા.
આ અંગે માહિતી આપતા ‘મિલ કે બાંટે ખુશિયાં’ ફાઉન્ડેશનના ફાઉન્ડર જિગ્નેશ ફુમકિયા જણાવે છે કે, ‘વર્ષ 2019માં કોરોનાકાળ દરમિયાન હું એક ઇલિક્ઝિયર ફાઉન્ડેશન નામના એનજીઓ સાથે જોડાયેલો હતો. ત્યારે અમે જરૂરિયાતમંદ લોકોને રાશન કિટ, ઓક્સિજન કિટ, પ્રાયમરી મેડિસિન પહોંચાડી હતી. આ ઉપરાંત અન્ય સેવાકીય પ્રવૃત્તિ પણ કરી હતી. વર્ષ 2020માં મારો જન્મદિવસ આવ્યો ત્યારે મને વિચાર આવ્યો કે, આ અહીં સુધી સિમિત ન રહેવું જોઈએ. આપણી આસપાસના વિસ્તારમાં ઘણાં જરૂરિયાતમંદ લોકો છે, જેમને રોજિંદુ જમવાનું નથી મળતું. નાના બાળકોને શિક્ષણ નથી મળતું. ત્યારબાદ મેં મારા જન્મદિવસે આસપાસના જરૂરિયાતમંદ લોકોને જમવાનું આપીએ, રાશનકિટી આપીએ, નાના બાળકોને શિક્ષણ સામગ્રી આપીએ તેવો વિચાર આવ્યો હતો.’
તેઓ કહે છે કે, મિલ કે બાંટે ખુશિયાં ફાઉન્ડેશન શરૂ કર્યું, ત્યારે વિચાર્યું બધા ભેગા મળીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીએ અને બધા સાથે મળી તેમને મદદરૂપ બનીએ. ત્યારબાદ આજ સુધીમાં 12,000 કરતાં વધુ બાળકો સુધી અમે પહોંચ્યા છીએ. તેમને મદદ કરી છે. 10,000 કરતાં વધુ બાળકોને પ્રાથમિક શૈક્ષણિક કિટ આપી છે.
તેઓ આગળ વાત કરતા જણાવે છે કે, શરૂઆતમાં મેં ફંડિગ કર્યું. ત્યારબાદ મિત્રો, સંબંધીઓ અને ક્લાયન્ટ્સ બધા જોડાતા ગયા અને વધુ ફંડિગ મળતું થયું. અમે 15-20 લોકોની ટીમ છીએ અને મિલ કે બાંટે ખુશિયા ફાઉન્ડેશન સાથે અંદાજે 200 જેટલા લોકો જોડાયેલા છે. તમામ સેવાકીય પ્રવૃત્તિમાં અમે સાથે જ હોઈએ છીએ. આ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ ભૂખ્યાને ભોજન અને નાના બાળકો શિક્ષણ મળી રહે તેવો છે.
તેઓ વધુમાં કહે છે કે, આ કાર્યમાં નાની મોટી સંસ્થાઓ, જેમ કે, ગોપાલભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન, સુવર્ણકલા જ્વેલર્સ, નીલકંઠ ગ્રાફિક્સ, સલૂન સહિત ઘણાં નાના-મોટા ધંધાદારી લોકો પણ જોડાયેલા છે. આ સંસ્થાઓના તમામ લોકો કોઈપણ કામ હોય ત્યારે સપોર્ટમાં રહે છે. અમે ફૂડ ડોનેશન અને સ્ટેશનરી સિવાય રાશન કિટ, નાના બાળકોને એન્ટરટેઇનમેન્ટ માટે કાર્યક્રમો રાખીએ છીએ, કલ્ચરલ એક્ટિવિટીમાં પ્રભાત ફેરી કરતા હોઈએ છીએ. પ્રાર્થના સભાનું પણ આયોજન કરીએ છીએ.




