‘મારા છોકરા સાથે વાત કેમ કરે છે?’ કહીને પિતા-પુત્રનો મહિલા પર જીવલેણ હુમલો



‘મારા છોકરા સાથે વાત કેમ કરે છે?’ કહીને પિતા-પુત્રનો મહિલા પર જીવલેણ હુમલો



Ahmedabad Crime News: અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં મહિલા સાથે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં મહિલાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં 28 મે, 2026ના રોજ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ મુજબ, 27 મેની સાંજે મહાવીર ઉર્ફે બલ્લુ અને તેના પિતા મહિલાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ‘તું મારા છોકરા યોગેશ સાથે કેમ વાત કરે છે’ મુદ્દે ઝઘડો શરૂ થયો હોવાનો આક્ષેપ કર્યો છે. મહિલાએ યોગેશ સાથે ફ્રેન્ડ તરીકે વાત કરતી હોવાનો જવાબ આપતા બંને ઉશ્કેરાયા હોવાનો આરોપ લગાવ્યો છે.
આ ઉપરાંત બલ્લુ અને તેના પિતાએ લોખંડની પાઇપ અને લાકડાના બેટ વડે મહિલા અને તેની માતા પર હુમલો કર્યો હતો. જેમાં મહિલાના માથા, કપાળ, હાથ-પગ તેમજ માતા રમીલાબેનના પગ અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં મહિલાને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ સાથે જ આરોપીઓએ મહિલા અને તેની માતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે હાલ કાગડાપીઠ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




