Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં આગ, 110 ગેસના બાટલા મળ્યાં; બે લોકો ઈજાગ્રસ્ત

Ahmedabad News: અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવનની સામે આવેલી ગેસ એજન્સીમાં ગુરુવારે સાંજના સમયે આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
Admin
AdminUpdated on: 19 Jun 2026 06:42 PM IST
અમદાવાદના ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં આગ, 110 ગેસના બાટલા મળ્યાં; બે લોકો ઈજાગ્રસ્તઅમદાવાદના ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં આગ, 110 ગેસના બાટલા મળ્યાં; બે લોકો ઈજાગ્રસ્ત

Ahmedabad News: અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવનની સામે આવેલી ગેસ એજન્સીમાં ગુરુવારે સાંજના સમયે આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

ચીફ ફાયર ઓફિસર એ.કે. ડોંગરેએ જણાવ્યું હતું કે, સાંજે અંદાજે 4:40 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમને ગીતામંદિર ખાતે આરોગ્ય ભવનની સામે આવેલી ગેસ એજન્સીમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. મેસેજ મળતાંની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થળ પરથી એલપીજી ગેસના કોમર્શિયલ તેમજ ઘરેલુ બાટલાઓ મળી આવ્યા હતા, જેમાં આગ લાગી હતી. આ ઉપરાંત બાજુમાં આવેલી અન્ય એક દુકાનમાં પણ મોટા પ્રમાણમાં ગેસના બાટલાઓનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

ફાયર બ્રિગેડ દ્વારા તમામ બાટલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી અંદાજે 110 જેટલા ગેસ બાટલાઓ મળી આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ સાથે જ સ્થળ પર ગેસ રીફીલિંગ અને સ્ટોરેજની વ્યવસ્થા પણ જોવા મળી હતી.

ચીફ ફાયર ઓફિસર એ.કે. ડોંગરેએ વધુમાં જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડના નિયમો અનુસાર ગેસ એજન્સીમાં ભરેલા ગેસ બાટલાઓ રાખવા જોઈએ નહીં તેમજ સ્ટોરેજની વ્યવસ્થા પણ અલગ અને સુરક્ષિત સ્થળે હોવી આવશ્યક છે. જો કે, અહીં એક જ દુકાનમાં ભરેલા બાટલાઓ તથા સ્ટોરેજ રાખવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેના કારણે નિયમોના ભંગ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ બારોટ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે અને ઘટનાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.