ધોળકાના કોઠ ગામે છરીની અણીએ લૂંટ ચલાવનારા ત્રણ આરોપીની ધરપકડ



ધોળકાના કોઠ ગામે છરીની અણીએ લૂંટ ચલાવનારા ત્રણ આરોપીની ધરપકડ



Ahmedabad News: અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના કોઠ ગામમાં દંપતી પર છરીની અણીએ લૂંટ ચલાવનારા લૂંટારુઓ સામે પોલીસે મોટી સફળતા મેળવી છે. મંકી કેપ પહેરી ઘરમાં ઘૂસી દંપતીને બંધક બનાવી લાખોની મત્તા લૂંટનારા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.
કોઠ ગામમાં 13-14 જૂનની મધરાત્રે ચારથી વધુ લૂંટારુઓએ ખેડૂત અને કરિયાણાની દુકાન ચલાવતા સંજયસિંહ રાઠોડના ઘરમાં ઘૂસી દંપતીને છરી બતાવી બંધક બનાવ્યા હતા. આક્ષેપ છે કે, પ્રતિકાર કરતા દંપતી પર છરી વડે હુમલો કરી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે બે લાખ દસ હજાર રૂપિયાની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા.
આ ઘટના બાદ કોઠ પોલીસે સીસીટીવી, ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ત્રણ આરોપી જયેન્દ્ર મકવાણા, હાર્દિક મકવાણા અને જગમાલ મકવાણાની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી 3,500 રૂપિયાની રોકડ તેમજ લૂંટમાં ગયેલા ત્રણ મોબાઈલ ફોન રિકવર કર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. હાલ કોઠ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.




