ખોટો આરોપ મૂકી લાંચ માગતા 2 લાંચિયા અધિકારીઓ ઝડપાયા, એક ફરાર



ખોટો આરોપ મૂકી લાંચ માગતા 2 લાંચિયા અધિકારીઓ ઝડપાયા, એક ફરાર



Ahmedabad ACB Trap: એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી) દ્વારા વધુ એક સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કણભા પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા ASI સહિત બે આરોપીઓને રૂ.30 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક GRD સભ્ય ફરાર હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, દસ્ક્રોઇ તાલુકાના ધામતવાણ વિસ્તારમાં કોસ્મેટિક ચીજવસ્તુઓના ઉત્પાદન સાથે સંકળાયેલા એક જાગૃત નાગરિકે એ.સી.બીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ અનુસાર ગત 14 મેના રોજ કણભા પોલીસ સ્ટેશનના ASI ભાવેશભાઇ લાભશંકર રાવલ, GRD સભ્ય કમલેશભાઇ ઉર્ફે રોબર્ટ વિનોદભાઇ બારોટ, રણજીતભાઇ જશુભાઇ સોલંકી તથા અન્ય એક વ્યક્તિ ફરિયાદીની ફેક્ટરી ખાતે પહોંચ્યા હતા.
આરોપીઓએ ફરિયાદીને ફેક્ટરીમાં એક્સપાયર થયેલા માલ પર નવી તારીખ છાપીને વેચાણ કરવાનો આરોપ મૂકી કેસ કરવાની અને જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, કેસ ન કરવા બદલ શરૂઆતમાં રૂપિયા 2 લાખની લાંચ માગવામાં આવી હતી. જો કે, રકઝક બાદ રૂપિયા 30 હજાર પર સોદો નક્કી થયો હતો.
બાદમાં 15 મેના રોજ રણજીતભાઇ સોલંકી ફરિયાદીની ફેક્ટરીએ પહોંચી લાંચની રકમ લેવા આવ્યા હતા, પરંતુ ફરિયાદી પાસે તે સમયે રકમની વ્યવસ્થા ન હોવાથી બાદમાં નાણા આપવા વાત થઈ હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે ACB દ્વારા 16 મેના રોજ ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપી ભાવેશભાઇ રાવલે ફરિયાદીને ફોન કરી લાંચની રકમ કમલેશભાઇ ઉર્ફે રોબર્ટ બારોટને આપવા જણાવ્યું હતું. ત્યારબાદ બાકરોલ પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં ફરિયાદીની કારમાં કમલેશભાઇએ હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 30 હજારની લાંચ સ્વીકારી હતી.
ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ભાવેશભાઇ રાવલ અને કમલેશભાઇ બારોટને ઝડપી પાડ્યા હતા. જ્યારે આરોપી રણજીતભાઇ સોલંકી સ્થળ પરથી હાજર મળી આવ્યા નહોતા. આ સમગ્ર મામલે ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




