અમદાવાદ કસ્ટમ વિભાગની કાર્યવાહી, બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 10 કિલોથી વધુ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત



અમદાવાદ કસ્ટમ વિભાગની કાર્યવાહી, બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 10 કિલોથી વધુ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત



Ahmedabad Airport: અમદાવાદ કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફ્લાઇટ નંબર TG-343 મારફતે બેંગકોકથી અમદાવાદ આવેલા એક પુરુષ મુસાફરની તપાસ દરમિયાન અંદાજે 10.9 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મુસાફરના ચેક-ઇન કરાયેલા સામાનની તપાસ દરમિયાન સ્નિફર ડોગ (કેનાઇન) દ્વારા માદક પદાર્થોની હાજરી અંગે સંકેત મળ્યો હતો. ત્યારબાદ બેગેજ ટેગના આધારે મુસાફરની ઓળખ કરી તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી.
મુસાફરની ચેક-ઇન કરાયેલી ટ્રોલી બેગની સઘન તપાસ દરમિયાન સામાનની અંદર છુપાવવામાં આવેલા લીલા રંગના છોડ જેવા પદાર્થો ધરાવતા પાંચ ચાંદીના રંગના પોલિથિન પેકેટ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા પદાર્થનું ફિલ્ડ ટેસ્ટ કીટ દ્વારા પરીક્ષણ કરવામાં આવતા તે હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતું.
કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા પ્રતિબંધિત પદાર્થનું કુલ વજન 10,911 ગ્રામ નોંધાયું છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) અધિનિયમ, 1985 હેઠળ આ પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે સંબંધિત મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો સપ્લાય કોને કરવાનો હતો તે સહિતના મુદ્દાઓને લઈને કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




