ખોટા દસ્તાવેજોથી મૃતકની કરોડો રૂપિયાની મિલકતનો સોદો, 4 લોકોની અટકાયત



ખોટા દસ્તાવેજોથી મૃતકની કરોડો રૂપિયાની મિલકતનો સોદો, 4 લોકોની અટકાયત



Ahmedabad News: અમદાવાદ શહેરમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી મૃતક વ્યક્તિના નામે કરોડોની મિલકત વેચાણ કરી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ત્યારે આ મામલે કામગીરી હાથ ધરી ક્રાઇમ બ્રાન્ચે 4 લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આર્થિક ગુના નિવારણ શાખા, ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વર્ષ 1981ની વૃંદાવન કો-ઓપરેટીવ સોસાયટીના પ્લોટના મૂળ માલિક જીતેન્દ્રકુમાર ચંદુલાલ શાહનું વર્ષ 2001માં અવસાન થયું હતું. જો કે, આરોપીઓએ સમાન નામ ધરાવતા અન્ય વ્યક્તિનો લાભ ઉઠાવી ખોટા દસ્તાવેજો અને ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ ઉભા કર્યા હોવાનો આરોપ છે.
ફરિયાદી અશોક આત્મારામ પટેલે આ મામલે 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં મુખ્ય આરોપી તરીકે દલાલ ભાવેશ વ્યાસ અને જોન ઉર્ફે ઉલ્લાસ દલાલનું નામ સામે આવ્યું છે.
તપાસમાં સામે આવ્યું છે કે, અંદાજે 1 કરોડ 12 લાખ રૂપિયાનો સોદો કરવામાં આવ્યો હતો, જેમાં દલાલોને લાખો રૂપિયાની રકમ મળ્યાની વિગતો પણ સામે આવી છે. આ સાથે જ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી પર પણ ખોટા વારસદારોને ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ ઇસ્યૂ કરી મદદગારી કરવાનો આરોપ છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.




